Site icon Revoi.in

ગુજરાતમાં તા. 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની આગાહી

Social Share

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દરમિયાન આગામી 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્કયુલેશનની પણ અસર રહેશે. જેથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 31મી જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ ડિગ્રીનો પારો 4 ડિગ્રી સુધી ગગડવાની શકયતા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 12 રાજકોટમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યની નજીક આવેલ રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. તેમજ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. એટલું જ નહીં વહેલી સવાલે અને સાંજના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.