Site icon Revoi.in

ગુજરાતમાં પેસા’ એક્ટમાં આદિવાસીઓને ગ્રામસભાની સત્તાથી દુર કરી અન્યાય કર્યોઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર આદિવાસી સમાજને અન્યાય કરી રહી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ 2017માં પેસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગ્રામસભાને સત્તા આપવામાં આવી હતી. તેનાથી તેને દૂર કરી દેવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં પેસા એક્ટ લાગુ કર્યા બાદ એનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.  કાયદા મુજબ આદિવાસી ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈ સરકારી પ્રોજેક્ટ મંજૂર કરી શકાય નહીં,. જમીન આધિગ્રહણ કે અન્ય બાબતોની મંજૂરી માટે ગ્રામસભાની મંજૂરીની જરૂર હોય છે. પરંતુ ગુજરાતમાં પેસા એક્ટમાં ગ્રામસભાને કોઈ સત્તા આપવામાં આવી નથી. પેસા એક્ટ 1996 મુજબ જ લાગુ કરવામાં આવવો જોઈએ. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેસા એક્ટમાં ગ્રામસભાને સૌથી વધુ સત્તા આપવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસીઓના હિતનો વિચાર કરવો જરૂરી છે. આદિવાસીઓ ખૂબ જ સંઘર્ષથી પોતાનું જીવન જીવી રહ્યા છે. માત્ર મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરીને જમીન સંપાદન કરીને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ખૂબ સારું થશે એવા ખોટા વાયદાઓ સરકાર આપી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, જંગલ જમીનના કાયદાઓને લઈને આદિવાસીઓને નુકસાન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર જંગલ જમીનને લઈને નવા કાયદાઓ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં લોકસભામાં જંગલ જમીનને લગતો નવો કાયદો પસાર થવા જઈ રહ્યો છે. તેને લઈને અત્યારથી જ આદિવાસીઓમાં ચિંતા દેખાઈ રહી છે. અંબાજી ધામ યાત્રા એક્ટ લાવીને આદિવાસીઓના 8 ગામોનો વિસ્થાપન કરાય રહ્યા છે. કેવડિયામાં જે પ્રકારે નોટિફિકેશન એરીયા બનાવવામાં આવ્યો છે. એવી જ રીતે જો અંબાજી ધામ યાત્રા એક્ટ હેઠળ નોટિફિકેશન એ જ બનાવી દેવામાં આવશે તો આદિવાસીઓ સાથે મોટો અન્યાય થશે. આદિવાસીઓ ઉપર વિસ્થાપન કરવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

ચૌધરીએ ઉમેર્યુ હતું કે, સુરતમાં ભાજપની મળેલી પ્રદેશ કારોબારીમાં આદિવાસીઓને રીઝવવા માટેની રણનીતિ નક્કી કરી છે. સરકારે જે પ્રકારનું પાંચ વર્ષથી શાસન આપ્યું છે અને તેમાં આદિવાસીઓ સાથે જ અન્યાય થયો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા છે અને માટે જ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે તેમને મનાવવા માટેના અનેક કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. માત્ર રાષ્ટ્રપતિને આદિવાસીમાંથી લેવા અને આદિવાસીઓના દિલ જીતવા માટે પૂરતું નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આદિવાસીઓના ઉત્થાન માટે નક્કર કામગીરી કરવી પડશે. વારંવાર આદિવાસીઓને ગેરમાર્ગે દોરનારી ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ પાઠ ભણાવી દેશે.(file photo)

 

Exit mobile version