Site icon Revoi.in

ગુજરાતમાં ફરીવાર IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે, ગૃહ વિભાગે બદલીની ફાઈલ તૈયાર કરી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચારેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચૂંટણી પંચે પણ મતદાર યાદીને આખરી ઓપ આપવા સહિતની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્ય સરકારને એવો આદેશ આપ્યો છે. કે, ત્રણથી વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા અધિકારીઓની બદલીઓ કરવામાં આવે. તેથી રાજ્ય સરકારે તાજેતરમાં પીઆઈ, પીએસઆઈ સહિત અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે આઈપીએસ અધિકારીઓની બદલીઓ માટેની ફાઈલ ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. અને ટુંક સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાં પહેલાં રાજકીય સમીકરણો બદલાતાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના એજન્ડા પ્રમાણે આગળ વધી રહી છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મચારીઓની બદલી ગમે તે સમયે કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ બદલીઓમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ની ગુજરાતના મહત્વના રેન્જના આઈજી, ડીઆઈજીની સાથે અમદાવાદ શહેરના ત્રણથી ચાર આઈપીએસ અધિકારીની બદલી માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે જે ગમે તે સમયે જાહેર થઈ શકે છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં અમદાવાદમાં યોજાયેલી રથયાત્રા બાદ આઇપીએસ અધિકારી વારાફરતી વિદેશ પ્રવાસ કરી આવ્યા છે. આ દરમિયાન કેટલાક આઈપીએસને અન્ય આઇપીએસનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ આઈજીપી અજય ચૌધરીને આપવામાં આવ્યો હતો. એમણે ઇન્ચાર્જ હોવાના સમયે બે ડઝનથી વધુ કોન્સ્ટેબલ પીએસઆઇની બદલીઓ કરી નાખી હતી, ત્યારબાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પરત આવ્યા અને આ બદલીના હુકમ રદ કર્યા હતા. આ સમગ્ર બદલીના હુકમ અને રદ કરવાની પ્રક્રિયા એ અમદાવાદ પોલીસની શાખ પર દાગ દીધો છે. ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલીમાં આઈજી અજય ચૌધરીનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે, જ્યારે સેક્ટર વન રાજેન્દ્ર અસારી, સેક્ટર ટુ ગૌતમ પરમાર અને રાજ્યની મહત્વની રેન્જના આઈજીની બદલી પણ થાય તેવી વિશ્વસનીય માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. હવે ચૂંટણી પ્રક્રિયાની પ્રક્રિયા વચ્ચે ગમે તે સમયે આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાય તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે.