Site icon Revoi.in

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો, હોળી પછી ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી જશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થી ગયો છે. સાથે જ તાપમાનમાં પણ વધારો થતો જાય છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસમાં ગરમીનું મોજું ફરી વળશે. ત્યારબાદ હોળી પછી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળો વધુ આકરો બનવાની શક્યતા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  હાલ ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. 10 થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં લોકોને હિટવેવનો સામનો કરવો પડશે. આ સીઝનની પહેલી હિટવેવ સાબિત થશે. હાલ ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો આગામી સપ્તાહથી ઉત્તર પશ્ચિમથી પવન ફૂંકાશે. તેમજ 16 માર્ચના આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. આમ, માર્ચ મહિનાથી જ ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “ઉનાળા દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે, રાત્રે અને દિવસે બન્ને સમયમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. આ કારણે આકળા ઉનાળાનો અનુભવ થશે.” ગરમી વચ્ચે વરસાદની આગાહીના લીધે ઉકળાટનો અનુભવ પણ થઈ શકે છે. ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 20 રહ્યું  હતું. તાપમાનમાં વધારો થતા લોકોને પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી રહી છે.