Site icon Revoi.in

હળવદમાં અગરિયાઓના બાળકોને સુખડી, અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

Social Share

મોરબીઃ હળવદ, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાની હાલત ખૂબજ દયનીય હોય છે. સુક્કા ભઠ્ઠ રણ વિસ્તારમાં મીઠાની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા પરિવારોના બાળકો કુપોષણથી પિડાતા હોય છે. જ્યારે પરિવારની સગર્ભા મહિલાઓને પણ પુરતું પોષણ મળતું નથી. આથી હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ તાજેતરમાં  કરવામાં આવ્યું હતું.

હળવદના રણ વિસ્તારમાં અનેક અગરિયાઓ મીઠું પકવીને કાળી મજુરી કરતા હોય છે. સિયાલામાં કડકડતી ઠંડી, ઉનાળામાં અસહ્ય અંગારા વેરતી રણ વિસ્તારની ગરમી, અને સોમાસામાં રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં અગરિયા પરિવારોને કાયમ સંઘર્ષ કરવો પડતો હોય છે. આથી અગરિયા પરિવારના બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણક્ષમ કિટ્સ આપવાનો કાર્યક્રમ તાજેતરમાં હળવદ ખાતે યોજાયો હતો.

હળવદ તાલુકાના સીડીપીઓ મમતાબેન,તેમજ  મોરબી જિલ્લા કોર્ડીનેટર, અગરિયા હિતરક્ષક મંચના મારુતિસિંહ બી.બારૈયા તેમજ ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો દ્વારા તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, ટિકર ગામની આંગણવાડીની વર્કર બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના 3વર્ષ સુધીના 60 બાળકોને સુખડીનું વિતરણ,  તેમજ 40 કિશોરીઓ, 20 ધાત્રીબહેનો તેમજ 10 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભલે નાનો હોય પણ તાલુકાના અગરિયા પરિવારોને મોટી રાહત મળી છે.