Site icon Revoi.in

અમદાવાદના જુહાપુરામાં ઔવસીનો કાળા વાવટા ફરકાવીને મુસ્લિમ સમાજે કર્યો વિરોધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રામનવમીના દિને હિંમતનગર અને ખંભાતમાં કોમી અથડામણના બનાવો બન્યા હતા. આ બનાવને લઈને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી એક દિવસની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અને સાંજના સમયે જુહાપુરા વિસ્તારમાં આવેલા છીપા ટેનામેન્ટ ખાતે એક કાર્યકર્તાના ઘરે ગયા હતા. જ્યાં ઔવેસીનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવી અને ‘અસદુદ્દીન ઔવેસી તુમ વાપસ જાઓ, વાપસ જાઓ’ના બેનરો સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરનારી મહિલા અને લોકો સાથે AIMIMના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ થયું હતું. ઔવેસી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે ગાડી સુધી ન પહોંચે તેના માટે કાર્યકર્તાઓએ વિરોધ કરનારા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. અચાનક જ ઔવેસીનો વિરોધ કરવા લોકો આવતા AIMIMના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ AIMIMના અધ્યક્ષ ઔવેસી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીનું સંગઠન મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા માટે માહિતી મેળવવા આજે અમદાવાદ આવ્યો છું. જેથી આગામી દિવસોમાં વિધાનસભામાં મજબૂતી સાથે ઉતરીશું. પોઝિટિવ મુદ્દા અને આખા વિઝન સાથે ચૂંટણી લડીશું. મે અને જૂન મહિનામાં પણ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ જઈશ. પાર્ટીને મજબૂત કરીશું અને વિધાનસભા ચૂંટણી મજબૂત રીતે લડીશું.

રાજ્યમાં રામનવમી પર થયેલા હિંસા મુદ્દે ઔવેસીએ કહ્યું, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. રાજય સરકાર જવાબદાર હોય છે. રાજય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ના ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય. IBના ઇનપુટ હતા તો સરકારે કેમ પગલાં ન લીધા? જો ઇનપુટ હતા તો હિંસા રોકી શક્યા હોત. પોતાની નાકામયાબી છુપાવવા માટે આમ કહે છે. જો કાવતરું હોય તો પેગાસીસ, કોલ રેકોર્ડીંગ છે, તો કેમ ન પકડી શક્યાં. શોભાયાત્રા કાઢવા માટેની પરમિશન પોલીસ આપે તો પુરી કરવાની જવાબદારી પોલીસની જ છે. (file photo)