Site icon Revoi.in

કચ્છમાં ઓક્સિજન બોટલ રિફિલિંગ બાબતે બે જૂથ બાખડી પડ્યાઃ ત્રણ રાઉન્ડ ખાનગી ફાયરિંગ

Social Share

ભુજઃ કોરોનાની મહામારીમાં લોકો પોતાનો સ્વાર્થ છોડી શક્તા નથી. કચ્છ જિલ્લાના ચીરઈ પાસે ઓક્સિજન બોટલ પ્રથમ ભરાવવા માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતાં એક જૂથ તરફથી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ મામલે બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોમાંથી આ બનાવની એવી વિગત જાણવા મળી છે કે, કચ્છના ચીરઈ નજીક બન્ને પક્ષના આરોપીઓ આશાપુરા ટ્રેડર્સ ભુજની ગાડીઓ ઓક્સિજન ગેસ-સિલિન્ડર ભરવા બાબતે વચ્ચે ગાડી ઊભી રાખ્યાના મનદુઃખે ઘર્ષણમાં ઊતર્યા હતા બન્ને વચ્ચે ઝપાઝપી થયા બાદ બંને પક્ષોએ એકબીજાની ગાડીને નુકસાન પણ પહોચાડ્યું હતું. ઉશ્કેરાયેલા આરોપી રાજભાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગનો અવાજ સાંભળીને ગેટ પર પોલીસ-બંદોબસ્તમાં રહેલા ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજા દોડી ગયા હતા. તેમણે બન્ને પક્ષના માણસોને વચ્ચે પડીને છોડાવ્યા હતા. તેમની સાથે મોટી ચીરઈના સરપંચ હરપાલસિંહ નટુભા જાડેજાએ પણ એક પક્ષના સાગરીતોને પકડી રાખીને છોડાવ્યા હતા. બન્ને પક્ષોને છૂટા પાડતા પોતપોતાની ગાડીઓ લઈને નાસી ગયાની પોલીસ ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ હતી.

આ બનાવ અંગે ભચાઉ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે બન્ને જૂથના પાંચ શખસો સામે ગુનો નોંધાવ્યો હતો. તેઓ મોટી ચીરઈમાં આવેલી અગ્રવાલ એન્ડ કંપનીના ગેટ પાસે ગત રાત્રે બંદોબસ્તમાં હતા ત્યારે કંપનીની અંદર ઓફિસ પાસે આ ચકચારી બનાવ બન્યો હતો, જેમાં મોટી ચીરઈના રાજભા કાનજીભા જાડેજા, રામદેવસિંહ રઘુભા જાડેજા, શિવરાજસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા અને એક અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ હતી.