Site icon Revoi.in

લો બોલો, મધ્યપ્રદેશમાં વીજ કંપનીએ એક બંધ મકાનનું રૂ. 8 લાખથી વધુનું બીલ મોકલ્યું

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં એક સામાન્ય પરિવાર પોતાના બંધ મકાનનું બીલ જોઈને ચોંકી ઉઠ્યો હતો. વીજ કંપનીએ બંધ મકાનનું રૂ. આઠ લાખથી વધુનું બીલ આપ્યું હતું. બીલ જોઈને ચોંકી ઉઠેલા પરિવારજનોએ આ અંગે વીજકંપનીમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપવામાં આવતા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના સચિન જૈન નામના યુવકનું  દુવે કોલોનીમાં અન્ય ઘર આવેલું છે. ઘર હજી પૂરેપૂરું બન્યું નથી, તેમજ તે લાંબા સમયથી બંધ છે. જ્યારે આ બંધ મકાનનું વીજ બિલ ગ્રાહકના મોબાઈલ પર પહોંચ્યું તો તેઓ બિલ જોઈને અવાક બની ગયા હતા. વીજળી વિતરણ કંપનીએ તેમને 8,08,545 રૂપિયાનું બિલ મોકલ્યું હતું. બંધ મકાનનું એક મહિનાનું બિલ લાખોમાં કેવી રીતે આવ્યો તેને લઈને સવાલો ઉભા થયાં છે.

બિલ જોઈને મકાન માલિક સચિન અને તેનો આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને દરરોજ વીજળી વિતરણ કંપનીની ઓફિસના ચક્કર લગાવી રહ્યો છે. વિભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા છે. અશોકનગર જિલ્લાના પ્રભારી મંત્રી મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર પોતે છે. આમ છતાં ઉર્જા મંત્રીના પ્રભારવાળા જિલ્લામાં ઉર્જા તંત્ર કામગીરીથી અનેક સવાલો ઉભા થયાં છે. 8 લાખ રૂપિયાથી વધુનું વીજળીનું બિલ મેળવનાર સચિનનું કહેવું છે કે, આ મામલાને ઉકેલવા માટે અહીં-તહીં ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ કોઇ અધિકારી કે કર્મચારી મારી વાત સાંભળવા તૈયાર નથી.