Site icon Revoi.in

પાટણ જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા શાળાઓને પાઠ્ય-પુસ્તકો પહોંચાડી દેવાયા

Social Share

પાટણઃ શહેર અને જિલ્લામાં આગામી 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થાય તે પહેલા જ  પાઠ્ય-પુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મફતમાં પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. આ વખતે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તમામ શાળાઓને સમયસર પુસ્તકો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

પાટણ શહેર અને જિલ્લામાં ઉનાળુ વેકેશન હોવા છતાં અને સરકારી શાળાઓ ખુલે એ પહેલાં જ સરકારી અને ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા બાળકોને વિનામૂલ્યે અપાતા પુસ્તકોનો સેટ શાળાઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી વેકેશન પૂરું થયા બાદ શાળાઓ ખૂલતાં જ બાળકોને વિવિધ વિષયના પુસ્તકો સાથે અભ્યાસ કરવા મળી શકશે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તાલુકા મથકો સુધી ડી.ઈ.ઓ હેઠળના એસવીએસ ટીપીઇઓ, એઓ દ્વારા સંબંધિત શાળાઓ સુધી પાઠયપુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. શાળાઓ શરૂ થાય તે પહેલા વેકેશનમાં તમામ સરકારી અને ગ્રાન્ટે પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિનામૂલ્ય પાઠયપુસ્તકો પહોંચાડવાની કામગીરી પાટણ જિલ્લામાં લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં તાલુકા કક્ષાએ પુસ્તકોના સેટ ઉતાર્યા બાદ પગાર કેન્દ્ર શાળાઓ અને એ રીતે દરેક સ્કૂલોમાં પુસ્તકોનું વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પાટણ જિલ્લામાં આગામી તારીખ 27, 28 અને 29 જૂન – દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. ત્યારે તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિનામૂલ્ય પૂરા પાડવામાં આવતા પાઠયપુસ્તકો આ વખતે અગાઉથી જ શાળાઓમાં પહોંચે તે રીતનું આયોજન કરાયું છે. જેમાં  ધોરણ 9 થી 12 ના આશરે 56000 જેટલા – વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પાઠ્ય પુસ્તકો અપાશે. જિલ્લામાં 1.48 લાખ જેટલા પ્રાથમિકના બાળકોને સરકારી શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકોનો લાભ મળી શકશે.

Exit mobile version