Site icon Revoi.in

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને આપેલું સમર્થન બીટીપી પાછું ખેંચશે

Social Share

જયપુરઃ રાજસ્થાનની ગહલોત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ કોંગ્રેસ સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના નેતા છોટુ વસાવાએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસ એક જ છે. બીટીપી રાજસ્થાન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. છોટુ વસાવાએ તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર દગાખોરીનો આક્ષેપ કર્યો હતો. રાજસ્થાનમાં બીટીપીના બે ધારાસભ્યો છે.

રાજસ્થાનમાં તાજેતરમાં જ ડુંગરપુર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 27માંથી 13 બીટીપી સમર્થિત સભ્યો જીત્યાં છે. જો કે, જિલ્લામાં સત્તા હાંસલ કરવા માટે 14 સભ્યોની જરૂર છે. દરમિયાન બીટીપીએ આક્ષેપ કર્યો હતો કે, નાની પીર્ટીને સત્તામાંથી દુર કરવા માટે કોંગ્રેસે ભાજપ સાથે હાથ મિલાવીને બીટીપીના ઉમેદવારોને હરાવ્યાં હતા. અહીં કોંગ્રેસના સમર્થનથી ભાજપના ઉમેદવાર પ્રમુખ બન્યાં છે. 27 બેઠકો પૈકી ભાજપનો 8 અને કોંગ્રેસનો 6 બેઠકો ઉપર વિજય થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં બીટીપીના બે ધારાસભ્યો છે. જુલાઈ મહિનામાં ગહલોત સરકારને તોડવાના પ્રયાસો થયાં હતા. તે સમયે બીટીપીના ધારાસભ્યોએ કોંગ્રેસ સરકારને સમર્થન આપ્યું હતું.