Site icon Revoi.in

રાજકોટમાં કરોડોની કિંમતી સરકારી જમીનો પર બંધાયેલા 40 કાચા-પાકા મકાનો ઉપર ફર્યું બુલડોઝર

Social Share

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા માટે કલેકટર દ્વારા મામલતદારોને સુચના આપ્યા બાદ શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા કાચા-પાકા 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો સધન બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર અને દક્ષિણ મામલતદારે કરોડો રુપિયાની કિંમતની સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલ 40 જેટલા કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઇ કરોડો રુપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ઉભા થઇ ગયેલા દબાણોનો સર્વે કરી તાત્કાલીક આવા દબાણો હટાવી દેવા માટે આદેશ કર્યો હતો. આ આદેશના પગલે છેલ્લા કેટલાક દિવસોથી દબાણ હટાવ ઝંબેશ શરૂ કરવામાં આવી છે.  દરમિયાન ગુરૂવારે રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ દક્ષિણ મામલતદાર કાકડીયા દ્વારા શહેરની નજીક આવેલ મવડી સર્વે નં.194 પૈકીની અને રાજકોટ તાલુકા મામલતદાર મકવાણા દ્વારા વાવડી સર્વે નં. 149 પૈકીની બંને મળી કુલ 21 કરોડ જેટલી કિંમતની સરકારી જમીનો ઉપર છેલ્લા કેટલાક સમયથી ખડકાઇ ગયેલા 40 જેટલા કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મવડી વિસ્તારમાં સર્વે નં. 194 પૈકીની પ્રકટેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ આવેલ 300 હજાર ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી ખડકાઇ ગયેલા 30 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું અને અંદાજીત રુા. 15 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વાવડી સર્વે નં. 149 પૈકીમાં આવેલી અને ઉદ્યોગના હેતુ માટે ફાળવવામાં આવેલી 1500 ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી ઉભા થઇ ગયેલા 10 જેટલા પાકા મકાનો ઉપર રેવન્યુ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું અને રુા. 6 કરોડ જેટલી કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી હતી.