Site icon Revoi.in

રાજકોટમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા તરફ વળ્યા,કોલેજોની ફી પડી રહી છે મોંઘી

Social Share

રાજકોટ :છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. વાલીઓને પણ ખાનગી કોલેજોની ફી હવે જાણે પોસાતી ન હોય તેમ કોલેજોના વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટીના ભવનો તરફ વળ્યા છે અને જુદા જુદા ભવનોમાં પ્રવેશ લીધા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી આર્ટસના કેટલાક ભવનોમાં માત્ર પાંચ-સાત વિદ્યાર્થીઓ જ પ્રવેશ લેતા હતા તેવા ભવનોમાં પણ હાલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. સરકારી યુનિવર્સિટી હોવાને કારણે અહીંની ફી કોલેજો કરતા ઘણી ઓછી હોવાથી આ વર્ષે યુનિવર્સિટીના મોટાભાગના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ છે. કેટલાક ભવનોમાં ઇન્ટેક વધારવાની પણ જરૂર પડી હતી ત્યાં 5થી 25 સીટો વધારી પણ છે.

ઘણા વર્ષો બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ હોવાની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ભવનોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આર્ટસ, સાયન્સ, મેનેજમેન્ટ સહિતના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

ઉલ્લેખનીય છે કે,કોરોનાવાયરસના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડ્યો છે, કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેમની પાસે યોગ્ય પૂરતા પ્રમાણમાં સુવિધા ન હોવાથી તેઓ ભણી શક્યા નથી. કેટલાક ઉદારદિલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે ઘરે ઘરે જઈને ભણાવવામાં આવ્યા હતા પણ હવે તે જોવું પણ રહ્યું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણવું ગમે છે કે શાળા કોલેજમાં.