Site icon Revoi.in

રાજકોટમાં ચાની કીટલીઓએ પણ ભાવ વધાર્યા, અડધી ચાના રૂપિયા 15થી 18 આપવા પડશે

Social Share

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધી રહી છે. જેમાં હવે ચાની ચૂસ્કી પણ મોંધી પડશે. રાજકોટ શહેરમાં તમામ કીટલીવાળાઓએ ચાના ભાવ વધારી દીધા છે. શહેરના અનેક ચાના ધંધાર્થીઓએ 30 ઓગષ્ટથી અડધી ચાના રૂા.15 ના બોર્ડ લગાવી દીધા છે. જ્યારે કેટલાક ચાના વેપારીએ રૂા.18નો ભાવ કરી નાંખ્યો છે. ચાના શોખીન શહેરીજનોને આ ઘુંટડો હવે કડવો બની જાય તેમ છે.

રાજકોટ શહેરમાં ચાનો ટ્રેન્ડ જાણીતો છે. રસ્તા પર નાના થડાથી માંડીને ચા માટેની રેસ્ટોરન્ટ પણ છે. શ્રમિક-કારીગરવર્ગથી માંડીને વેપારીઓ-વિદ્યાર્થીઓ અને કંપની એકઝીકયુટીવો પણ ચાની ચુસ્કી લેતા કે ચાય પે ચર્ચા કરતા જોવા મળતા હોય છે. થોડા વખત પૂર્વે અડધી ચાનો ભાવ રૂા.10થી વધારીને 12 કે 13 કરી દેવામાં આવ્યો હતો. હવે તેમાં ફરી વધારો ઝીંકીને રૂા.15 કરી દેવામાં આવ્યો છે. શહેરના અનેક ચાના થડા-દુકાનોએ 30મી ઓગષ્ટથી અડધી ચાના રૂા.15 તથા આખી ચાના રૂા.30ના બોર્ડ પણ લગાવી દીધા છે.
જ્યારે શહેરના રૈયારોડ જેવા વિસ્તારોમાં અમુક ધંધાર્થીઓએ અડધી ચાના રૂા.18નો ભાવ લાગુ પણ કરી દીધો છે. રાજકોટવાસીઓમાં ચા પીવાના વધતા ટ્રેન્ડ વચ્ચે આ સૂચિત ભાવવધારાથી કચવાટ ફેલાયો છે.
ચાના થડાના ધંધાર્થીઓના સંગઠનના પ્રમુખ રાજુભાઈ ઠુંગાએ ભાવવધારા અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ચાની કીટલીઓ પર કામ કરતાં રોજમદારોના મહેનતાણામાં પણ વધારો કરવો પડ્યો છે. તેમજ ખાંડના,અને દૂધના ભાવવધારો થઈ ગયો છે. ચાની ભૂકી તથા કોલસાનો ભાવ પણ ડબલ થઈ ગયા છે. વખતોવખત દૂધમાં પણ ભાવવધારો થતો જ રહ્યો છે. એટલે ભાવવધારો કર્યા સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી.

તેઓના દાવા મુજબ કોલસાનો ભાવ 1050 થી 1100 એ પહોંચ્યો છે. ચાના ધંધાર્થીઓના ભાવવધારાના આ નિર્ણયથી ચાના રસિયાઓમાં ધુંધવાટ ઉભો થવાનું સ્વાભાવિક છે. લોકોમાં એવી ચર્ચા છે કે લીંબુ, ટમેટા, આદુ, શાકભાજી-ફ્રુટ તો કુદરત આધારીત છે અને હવામાનના કારણોસર કયારેક-કામચલાઉ ધોરણે મોંઘા થઈ જતા હોય છે.
રાજકોટમાં ચાની દુકાનોથી માંડીને થડા ધરાવતા ધંધાર્થીઓનું એસોસીએશન છે. સરકારી હેરાનગતિથી માંડીને ભાવવધારા જેવા નિર્ણય સંગઠીત રીતે લેવાય છે. એસોસીએશનના પ્રમુખના કહેવા મુજબ ચાની ભુકકી, ખાંડ, દૂધ, કોલસા સહિતની ચીજો મોંઘી થઈ હોવાથી ભાવવધારો કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
શહેરમાં ચાનો ટ્રેન્ડ જાણીતો છે. વ્હેલી પરોઢથી મોડીરાત સુધી જુદા-જુદા સ્થળોએ દુકાનો-થડા ધમધમતા હોય છે. શહેરમાં 2000થી2500 ધંધાર્થીઓ છે તેમાંથી 20 ટકા દુકાનો છે. જયારે બાકીના 80 ટકા થડા છે જે જુદા-જુદા માર્ગો પર છે.