Site icon Revoi.in

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

Social Share

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં સાબરકાંઠા જિલ્લા ભાજપનું વાતાવરણ ગરમાયું છે.

ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસમાં વિરોધ જોવા મળતો હતો. તેવો જ વિરોધ કેડર બેઝ પાર્ટી કહેવાતી ભાજપમાં જોવા મળી રહ્યો છે. ભાજપે ઉમેદવાર બદલતા ભીખાજીના સમર્થકો ઉગ્ર વિરોધ કરીને ભીખાજીને ફરી ટિકિટ આપવાની માગ કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા, તેમજ રોડ-રસ્તા પર ઉતરીને  વિરોધ કરી રહ્યા છે. પાર્ટીમાં એકવાર નક્કી થઈ ગયા બાદ ઉમેદવારો બદલાતા નથી. પાર્ટીના કાર્યકર્તાઓ  હાઈકમાન્ડના નિર્ણયને એક જ સ્વરે વધાવી લેતા હોય છે. પરંતુ સાબરકાંઠામાં આક્રોશની આ આગ એટલી ભભૂકી કે ભાજપના કાર્યકર્તાઓએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા ધરી દેવાની ચીમકી આપી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકોએ વીડિયો બનાવી નવા ઉમેદવાર શોભના બારિયાનો વિરોધ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ફરીવાર ઉમેદવાર બદલવા માટે હિંમતનગર, ઈડર શહેર, ઇડર તાલુકાના કાર્યકર્તા અને હોદ્દેદારોએ જિલ્લા કાર્યાલય આવીને રજૂઆત કરી હતી, ભાજપએ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠાની  બેઠક પર અરવલ્લીના ભીખાજી ઠાકોર(ડામોર)ને ટિકિટ આપી હતી. ત્યાર બાદ થોડા દિવસોમાં ભીખાજીએ ચૂંટણી નહીં લડવા અનિચ્છા દર્શાવી હતી. ત્યાર બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપ્યાની જાહેરાત કરાઈ હતી.

હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠનના હોદ્દેદારો ઉપરાંત ઇડર તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિરોધ કરવા આવી પહોંચ્યા હતા. જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને મહામંત્રી વિજય પંડ્યાએ રજૂઆતો સાંભળી હતી અને પ્રદેશમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.