Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારની મંજુરી બાદ કરાર આધારિત આસિ. પ્રોફેસરોની ભરતી કરાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. નવા શૈક્ષણિક સત્રને હવે મહિનો ય બાકી રહ્યો નથી. ત્યારે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિ. પ્રોફેસરોની અનેક જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત 60થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરોની મુદત ગત તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગઈ છે. આ કરારી પ્રોફેસરની જગ્યા માટે ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટીએ સરકારમાં દરખાસ્ત મોકલીને મંજૂરી માગી છે. સરકારમાંથી મંજૂરી આવી ગયા બાદ ફરી કરાર આધારિત પ્રોફેસર માટેના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. યુનિવર્સિટીએ હાલ કેટલા અધ્યાપકો નિવૃત્ત થયા છે કે થવાના છે, ક્યા ભવનમાં કેટલી ટીચિંગની જગ્યા ખાલી છે. તેની વિગતો સરકારમાં મોકલી છે, પરંતુ હજુ સુધી સરકારમાંથી મંજૂરી નહીં મળી હોવાને કારણે કોઈ પ્રક્રિયા થઇ શકી નથી.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે જણાવ્યું હતું કે, યુનિના જુદા જુદા ભવનોમાં કરાર આધારિત 60થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરોની મુદત ગત તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગઈ છે. આ કરારી પ્રોફેસરની જગ્યા માટે ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટીએ સરકારમાં દરખાસ્ત મોકલીને મંજૂરી માગી છે. મંજુરી મળતા જ  દોઢ મહિનામાં  કરાર આધારિત જેટલા પ્રોફેસરની જગ્યા ખાલી છે તેની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કરીને કરાર આધારિત નિમણૂંકો આપીશું. જુદા જુદા ભવનમાં ગયા વર્ષે જે પ્રોફેસરો કરાર આધારિત પસંદગી પામ્યા હતા તેમાંથી કેટલાક તાજેતરમાં જ કરવામાં આવેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી ભરતીમાં પસંદગી પામ્યા છે. આથી હવે બાકીની ખાલી પડેલી જગ્યા ઉપર આગામી દિવસમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ સરકારમાં મંજૂરી માગી છે. ગત વર્ષે યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં કરાર આધારિત 60 જેટલા પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ યોજી ભરતી કરાઇ હતી. જેમાં અનામત નીતિનો અમલ મુદ્દે વિવાદ થતા યુનિ.એ પસંદગી પામેલા અધ્યાપકોને પહેલા 44 દિવસના અને ત્યારબાદ 10 મહિનાના કરારના ઓર્ડર આપ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં આગામી તારીખ 15મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે. હાલ જુદા જુદા ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હજુ આવનારા દિવસોમાં કરારી પ્રોફેસરની ભરતી નહીં થઇ શકે તો નવું સત્ર શરૂ થયા બાદ માત્ર જે પ્રોફેસરો કાયમી છે તેમના આધારે જ શૈક્ષણિક કામગીરી કરવામાં આવશે.

Exit mobile version