Site icon Revoi.in

સુરતમાં પાણીની લાઈનમાં અંદર ઉતરેલા યુવાનનું ગુંગળામણથી મોત, 3ની હાલત ગંભીર

Social Share

અમદાવાદઃ સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર વ્યક્તિને ગુંગળામણ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બરબોધન ગામનો 20 વર્ષિય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા એક ખેતરમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ખેતરમાં પાણી માટે ગટરમાંથી મોટર વડે પાણી કાઢવામાં આવી રહ્યું હતું. દરમિયાન લાઈનમાં અડચણ ઉભી થતા દર્શન 20 ફુંટ  ઊંડી ગટરમાં ઉતર્યો હતો. જો કે, લાંબા સમય સુધી બહાલ નહીં આવતા એક યુવતી સહિત અન્ય 3 વ્યક્તિઓ અંદર ઉતરી હતી.

ચારેય વ્યક્તિ અંદરથી બહાર નહીં આવતા બહાર ઉભેલા અન્ય લોકો ડરી ગયા હતા અને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. અંદર ઉતરેલી ચારેય વ્યક્તિઓ ગુંગળામણ થતા ઢળી પડી હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર ઉતર્યાં હતા.

તેમજ તમામને બહાર કાઢીને સીઆરપી આપવામાં આવ્યું હતું. દરમિયાન દર્શનનું મોત થયાનું સામે આવ્યું હતું. જ્યારે 40 વર્ષીય ચંદુભાઈ ધારસિંગ ગોહિલ, 20 વર્ષિય મનીષભાઈ ભરતભાઇ રાઠોડ અને અસ્મિતાબેન ધારસિંગની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. 20 વર્ષીય દર્શનનું મોત થતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ યુવતી સહિત બીજા ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે.