Site icon Revoi.in

સુરતમાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસ સામે પોલીસે લોક જાગૃતિ લાવવા લોકદરબાર યોજ્યો

Social Share

સુરતઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાજખોરોનો ત્રાસ હોવાથી તોતિંગ વ્યાજ વસુલતા વ્યાજખોરોના નશ્યત કરવા હવે પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે સુરત પોલીસે છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકો જ્યાં સુધી પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ન આવે ત્યાં સુધી પોલીસ પગલાં લઈ શકતી નથી. તેથી વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેર પોલીસે લોક દરબાર યોજ્યો હતો.

સુરત  શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના  કાપોદ્રા પોલીસ મથકમાં લોકદરબારનું યોજાયો હતો. જેમાં નાના મોટા વેપારીઓને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા હોય તો માહિતી આપવા પોલીસે અપીલ કરી હતી. આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત પોલીસે વરાછા અને સારોલી પોલીસ મથકની હદમાં 3 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પણ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31 જાન્યુઆરી સુધી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક બનાવોમાં લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે.  બીજી તરફ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને સુરત પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે.  કાપોદ્રા પોલીસ મથકમાં પણ લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં શાકભાજી, પાથરણાવાળા સહિત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરી હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.