Site icon Revoi.in

સુરતમાં સફાઇ કામદાર પાસેથી લાંચ લેતા મનપાના ત્રણ બાબુઓ ઝબ્બે

Social Share

સુરતઃ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવાના બદલામાં લાંચ માગનાર ત્રણને એસીબીએ ઝડપી લઇ, તેમની  પાસેથી  લાંચના  રોકડ ૧૦ હજારની રકમ પણ કબ્જે લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ હજાર સફાઇ કામદારો પાસે લેવાઈ રહ્યા હોવાની ફરિયાદ એસીબીને મળવા પામી હતી. એક જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા ૧૦ હજારની માગણી કરાઈ હતી. જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે એવી ધમકી અપાઈ હતી. ત્યારબાદ પાલિકાની સફાઈ કામદાર મહિલાએ આ અંગે લાંચરુશ્વત વિરોધી પોલીસને જાણ કરી  હતી. જેથી આખા ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડવાનું છટકું ગોઠવાયું હતું.

ત્રણેય આરોપીઓ કતારગામ ગોતાલાવાડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારવાના હોવાથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી, મદદનીશ આરોગ્ય નીરિક્ષક (સેનેટરી સબ ઇન્સ્પેકટર) વર્ગ-૩ નોકરી- વોર્ડ નં.-૭ બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા સુરત, લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, સફાઇ કામદાર, વર્ગ-૪, નોકરી- વોર્ડ નં.- ૭ બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા,સુરત, દપિકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર,વર્ગ-૪, નોકરી- વોર્ડ નં-૭ બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરતને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.