સુરતઃ ગુજરાતમાં પીએમઓથી લઈને સીએમઓની ફેક ઓળખ આપીને રૂઆબ જમાવતા શખસો પકડાયા છે. કેટલાક લોકો અધિકારી હોવાની ફેક ઓળખ આપીને છેતરપિંડી પણ કરતા હોય છે. આવો જ એક કેસ સુરતના માંડવી ખાતે પકડાયો છે. એક મહિલાએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને 22 લાખની છેતરપિંડી કરતા તેણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
સુરતના જિલ્લાના માંડવી ખાતે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી છેતરપિંડી આચરવાના પ્રકરણમાં પોલીસે બનાવટી ડે. કલેક્ટર બની ફરતી બારડોલી તાલુકાના બાબેન ગામની નેહા પટેલ નામની મહિલાની અટકાયત કરી હતી. કેવડિયામાં વિકાસના કામોના ટેન્ડરમાં પૈસા રોકવાનું જણાવી માંડવીના તારાપુર ગામના ખેડૂત અને નિવૃત સરકારી કર્મચારી રહી ચૂકેલા વ્યક્તિ સાથે 22 લાખની છેતરપિંડી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં બનાવટી ડે. કલેક્ટર બની ફરતી નેહા પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. માંડવીના તારાપુર ગામના ખેડૂત અને નિવૃત સરકારી કર્મચારી રહી ચૂકેલા રામુ દેવજી ભાઈ ચૌધરીએ ફૂલવાડી મેલડી માંનું મંદિર બનાવ્યું છે. અને જ્યાં સને 2016માં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન નયનબેન નામની મહિલા સાથે આવેલા નેહા પટેલનો સંપર્ક થયો હતો. નયન નામની મહિલા અને બારડોલીના બાબેન ગામે રહેતી નેહા પટેલ એક દિવસ રામુભાઈના ઘરે પહોંચી હતી. નેહા પટેલે રામુભાઈ ચૌધરી આગળ મોટી-મોટી વાતો કરી પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. તેમજ નેહા પટેલ પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કામ કરતી હોવાનું જણાવી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ કામગીરી તેમજ જમીન સંપાદનનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. અને તે વિકાસ કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા જણાવ્યું હતું. તેમજ રોકેલ પૈસા કમિશન સાથે મળી જવાની પણ લાલચ આપી હતી.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વિકાસ કામના ટેન્ડર પેટે નેહા પટેલે ખેડૂત રામુભાઈ ચૌધરી પાસે ટુકડે ટુકડે 22.28 લાખ ખંખેરી લીધા હતા. અને બાદમાં કમિશન તેમજ મૂળ રકમ પણ આપી ન હતી. અને વારંવાર નેહા પટેલ ગોળગોળ જવાબ આપતા રામુભાઈને નેહા પટેલ બનાવટી હોવાની આશંકા ઉભી થઇ હતી. જેથી માંડવી પોલીસની શરણ લીધી હતી. ત્યારબાદ માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ અને બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની અટકાયત કરી લીધી હતી.