Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના 200 જર્જરિત ઈમારતો, 80 જેટલા મકાનો તો પડવાના વાંકે ઊભા છે

Social Share

સુરેન્દ્રનગરઃ  શહેરમાં  200  જેટલી જર્જરિત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ-પડુ થતી હાલતમાં મોતના માંચડા બનીને ઊભી છે.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જૂની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. અને જે રહેણાંક અને કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી હતી. કેટલીક ઈમારતોના મકાન માલિકો વર્ષોથી વિદેશમાં અથવા દેશના અન્ય રાજ્યમાં સ્થાયી થયેલા છે. અને મકાનોમાં ભાડુઆતો રહે છે. એટલે મકાનોની મરામત પણ કરવામાં આવતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર શહેરમાં જર્જરીત ઈમારતોની સંખ્યા 200  જેટલી છે તાજેતરમાં શહેરનાં વાડીલાલ ચોકમાં આવેલી જ્યોતિ ચેમ્બર્સ નામની જર્જરિત બિલ્ડીંગમાંથી પોપડુ પડતા એક વ્યક્તિને ઈજા થઈ હતી. ભુતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. દર વર્ષે ચોમાસા પહેલા આવી જર્જરીત ઈમારતો ઉતારી લેવાની માંગણી કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર નોટિસો આપી ફરજ બજાવી લીધી હોવાનો સંતોષ માની બેસી જાય છે. શહેરનાં મેઈન રોડ, મહાલક્ષ્મી ટોકિઝ-વાડીલાલ ચોક વિસ્તાર, રતનપર-જોરાવરનગર સહીતનાં વિવિધ વિસ્તારોમાં આવેલી આવી જર્જરીત અને પડુ-પડુ થતી રહેણાંક અને કોમર્શીયલ બિલ્ડીંગોને ઉતારી લેવાની માંગણી વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા 79 જેટલી બિલ્ડીંગોને ભયજનક માની ઉતારી લેવા જેતે માલિકો અને સંસ્થાઓને નોટિસો ફટકારવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરમાં જર્જરિત ઈમારતો પૈકી 79 ભયજનક ઈમારતોને નોટિસો ફટકારવામાં આવી છે. છતાં આજ સુધી આ બિલ્ડીંગો ઉતારવામાં આવી નથી. ભારે વરસાદના કારણે કોઇ બિલ્ડીંગ તુટી પડે અને કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદારી કોની.? તેવો સવાલ ઉઠયો છે. જેમાં સુરેન્દ્રનગર શહેરની જર્જરીત ઈમારતો પૈકી 79 ભયજનક ઈમારતોને નોટિસો અપાયા પછી પગલા લેવાતા નથી. ત્યારે નગરપાલિકાનાં ચીફ ઓફિસર કહે છે કે, અમે ડિઝાસ્ટર તંત્ર અને મામલતદાર કચેરીને જાણ કરી દીધી છે. મામલતદાર કહે છે કે, અમે મામલતદાર એક્ટમાં ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. તંત્રવાહકોનાં આ ગજગ્રાહ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો જવાબદાર કોણ.? તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યા છે.