Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે !

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 2022ના વર્ષમાં યોજાનારી વિદાનસભાની ચૂંટણીમાં ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ તૈયારો શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસમાં તો જુથબંધીને કારણે હજુ પ્રભારીની નિમણુંક થઈ શક્તી નથી. તેમજ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવાને નિર્ણય પણ લઈ શકાતો નથી, ત્યારે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને 2022ની ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપે એવી શક્યતા છે. આ મામલે કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સર્વે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં 25 વર્ષના વનવાસ પુરો કરાવી શકશે કે નહીં તે સૌથી મોટો પડકાર રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલદી નિર્ણય લેવામાં આવે એ અંગે પણ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે.

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 2022 વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલદી નિર્ણય લેવાય એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પદો પર તાત્કાલિક નિમણૂક થાય એ માટે હાઇકમાન્ડને રજૂઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત પર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી, જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માગ મૂકે એવી સર્વસંમતિ પણ દર્શાવવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસની એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે એવી માગ ઊઠી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગ રૂપે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.