Site icon Revoi.in

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 1500 વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા સીસીટીવી કેમેરામાં પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં 1500 જેટલા પરીક્ષાર્થીઓ કોપી કરતાં સીસીટીવી ફૂટેજમાં ઝડપાયા હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતી મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ક્લાસરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી હતી. ધો-10ની પરીક્ષાના 3 જિલ્લાના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. જેથી આ આંકડામાં વધારો થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2022માં લેવાયેલી ધો-10ની 12ની બોર્ડની પરીક્ષામાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં ધો-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.  શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ધોરણ-12 સાયન્સના ફુટેજની ચકાસણીમાં 100 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 500 કરતા વધુ વિદ્યાર્થીઓઓ કોપી કરતા પકડાયા હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત ધોરણ-10માં પણ 800થી વધારે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ફૂટેજની ચકાસણીમાં પકડાઈ ચુક્યા છે. જોકે, હજુ ધોરણ-10માં ૩ જિલ્લાના ફુટેજના રિઝલ્ટ આવવાના બાકી હોવાથી આંકડો 900ને પાર પહોંચે તેવી શકયતા છે. પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સામે આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.