Site icon Revoi.in

ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્રોના સ્ટ્રોંગરૂમમાં બારીઓને પણ સીલ મરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને  ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આગામી તા. 11 માર્ચે તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પત્રો સીલબંધ કવરમાં પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મુકવામાં આવ્યા હશે તેના બારણાની સાથે બારીઓને પણ કાગળથી ઢાંકીને સીલ મારવાની કડક સુચના આપવામાં આવી છે. જેથી રૂમની અંદર શું પડ્યું છે તે પણ કોઇ જોઇ શકશે નહીં.  સાથે જ સ્ટ્રોંગરૂમની બહાર 24 કલાક હથિયારધારી પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.  અને  રૂમમાં 24 કલાક સીસીટીવીનું મોનિટરિંગ કરાશે. ગુજરાતમાં પંચાયત સેવા મંડળની પરીક્ષાથી લઈને ભૂતકાળમાં અનેકવાર પ્રશ્નપત્રો ફુટવાની ઘટનીઓ બની છે. એટલે બોર્ડના સત્તાધિશો પણ પેપર ફુટે નહીં તેની ખાસ અગમચેતિ દાખવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બોર્ડેની સાથે સ્થાનિક જિલ્લા શિક્ષણતંત્રએ પણ પરીક્ષામાં કોઇ કચાશ ન રહે તે માટે પુરતી તૈયારી કરી છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાના પેપર યોગ્ય રીતે સચવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. બોર્ડની પરીક્ષા શરૂ થયાના 3 દિવસ પહેલા તમામ વિષયોના પેપરો સ્ટ્રોંગરૂમ સુધી પહોંચી જશે, ત્યારબાદ તેને ત્રણ દિવસ સાચવવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 12 ઝોન છે, જ્યાં પેપર સચવાશે. પેપર જે જગ્યાએ મૂકવામાં આવ્યા છે ત્યાં જવાની કોઇને પણ મંજૂરી નથી. ઉપરાંત જે પણ અધિકારી રૂમમાં પ્રવેશ લેશે તેણે તેના કારણ સાથેની માહિતી રજિસ્ટરમાં નોંધવાની રહેશે. ઉપરાંત અધિકારી કેટલા સમય માટે રૂમમાં રહ્યાં તેની પણ માહિતી આપવાની રહેશે. ગુજરાત બોર્ડ દ્વારા પેપર બોક્સ ટ્રેકિંગ માટે મોબાઇલ એપ ડિઝાઇન કરાઇ છે. દરેક ઝોન કક્ષાના અધિકારીને એક નંબર અને પાસવર્ડ અપાશે. પરીક્ષા દરમિયાન અધિકારીઓએ આ એપ્લિકેશન ચાલુ રાખવી પડશે. પ્રશ્ન પેપરના બોક્સ મોકલતા સમયે અધિકારીએ બોક્સની 6 સાઇડ અને બે ફોટો સ્ટાફ સાથે સીલ બંધ છે તેની ખરાઇ કરતા મોકલવાના રહેશે. એપ્લિકેશન પેપર લઇ જતા અને પરત ફરતા સમયે જીપીએસથી ટ્રેક કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. સ્કૂલોના 97 શિક્ષકોને બોર્ડની પરીક્ષાની કામગીરી સોંપાઇ છે. દરેક ઝોનમાંથી વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે રીતે શિક્ષકોની પસંદગી કરાઇ છે. મ્યુનિ. સ્કૂલોએ દરેક શિક્ષકોને ઝોન કક્ષાએ નક્કી કરેલા ધોરણની કામગીરીમાં જોડાવવા માટેનો આદેશ કર્યો છે. બોર્ડની પરીક્ષામાં શિક્ષકોને પોતાના જ વિસ્તારની સ્કૂલોમાં સુપરવાઇઝર અને સરકારી પ્રતિનિધિની ફરજ સોંપવામાં આવી છે.