Site icon Revoi.in

રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં ATSની ટીમે બંગાળ સુધી લંબાવી તપાસ

Social Share

અમદાવાદઃ રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલકાયદાના 3 આતંકવાદીઓને ઝડપી લઈને એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ત્રણેય આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના હોવાથી ગુજરાત એટીએસની ટીમે તપાસ બંગાળ સુધી લંબાવી છે. દરમિયાન આ આતંકવાદીઓ હથિયારો ખરીદવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. એટીએસની તપાસમાં બાંગ્લાદેશ મોડ્યુઅલનો પર્દાફાશ થયો છે. આરોપીઓ રાજકોટના સોની બજારમાં મજુરી કરતા મુસ્લિમ યુવાનોનું બ્રેનવોશ કરતા હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના સોની બજારમાંથી તાજેતરમાં અલકાયદાના 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની એટીએસની ટીમે ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. આરોપીઓ જન્માષ્ટમીના તહેવાર ઉપર સૌરાષ્ટ્રમાં આતંકવાદી હુમલાનું કાવતરુ ઘડ્યું હતું. હાલ આરોપીઓના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પશ્ચિમ બંગાળના છે એટલું જ નહીં બાંગ્લાદેશના અલકાયદના હેન્ડલર સાથે સતત સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન ગુજરાત એટીએસની ટીમ તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવી છે. હાલમાં ગુજરાત ATSની ટીમ દ્વારા આતંકીઓના સંપર્કમાં રહેલા પરિવારોના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય આતંકીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યુ છે. આ ત્રણેય આતંકવાદીઓ સાથે જોડાયેલા તેમના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.