Site icon Revoi.in

કોંગ્રેસમાં હવે ઉપપ્રમુખ, મહામંત્રી,સહિતના નેતાઓની જવાબદારી નક્કી કરી કામગીરી સોંપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી માટે કોંગ્રેસ હવે પ્રદેશથી માંડીને તાલુકા સ્તર સુધીના પ્રમુખ ઉપરાંત મહામંત્રી, ઉપપ્રમુખ ને મંત્રી સહિતના અન્ય હોદ્દેદારોની પદની સાથે જવાબદારી નક્કી કરાશે. કામગીરીની સમીક્ષામાં પણ માત્ર પ્રમુખ જ નહીં, પરંતુ અન્ય હોદ્દેદારો પણ જવાબદાર ગણાશે. આગામી 23 જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી રાજ્યભરમાં સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાશે. કોરોનાની બદલાયેલી પરિસ્થિતિમાં સભ્ય નોંધણી ઉપરાંત સંગઠન અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે વિકેન્દ્રીકરણ કરીને કામગીરી સોંપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખોની બેઠકમાં ઠાકોરે દરેક જિલ્લા પ્રમુખો સાથે વન ટુ વન બેઠક યોજીને સ્થાનિક રાજકારણની પરિસ્થિતિ અને કોંગ્રેસની સ્થિતિની માહિતી મેળવી હતી. સાથોસાથ જે તે જિલ્લામાં સંગઠનના માળખાંની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખો સાથેની બેઠકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર-પ્રસારની કામગીરી અંગે પણ સૂચનોની આપ-લે થઈ હતી. જેમાં મુખ્યત્વે જે તે અગ્રણી, હોદ્દેદારને તેમની ગમતી પ્રવૃત્તિ સોંપવા પર ભાર મૂકાયો હતો.

આ ઉપરાંત સંગઠનના અનુભવી આગેવાનોને અત્યારથી જ સંગઠનને મજબૂત કરવા માટેની જવાબદારી સોંપવાના સૂચનો કરવામાં આવ્યા હતા. સંગઠન અને જુદા જુદા સંગઠનોના બૌદ્ધિકો સાથે ચર્ચા કરીને વિવિધ સેલની રચના કરી જવાબદારી સોંપવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત બૂથ મેનેજમેન્ટ માટે બૂથ સમિતિમાં જનમિત્રની નિમણૂક અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે, પરંતુ કોંગ્રેસમાં પ્રદેશનું માળખું હજુ વેરવિખેર છે. અનેક શહેર-જિલ્લાઓમાં જૂના પ્રમુખો કામગીરી કરી રહ્યા છે. જૂના હોદ્દેદારોને યથાવત રાખવા કે નવી નિમણૂકો કરાશે તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. પક્ષના કાર્યકરો પણ જિલ્લા-તાલુકામાં નવી નિમણૂંકો ક્યારે કરાશે તેની રાહ જોઈ રહ્યા છે.