Site icon Revoi.in

ફાર્મસીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 5013ને પ્રવેશ ફાળવાયો પણ 1800 વિદ્યાર્થીઓએ કન્ફર્મ ન કર્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની પ્રવેશ કાર્યવાહીમાં આ વખતે વિલંબ થયો છે. ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પહેલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કર્યા બાદ ફી ભરવાની સમયમર્યાદા પૂર્ણ થતાં 1800થી વધારે બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નથી.આમ, પ્રવેશ કન્ફર્મ ન કરાવવાના કારણે 1800 અને અગાઉ ખાલી પડેલી 86 બેઠકો માટે નવો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં આગામી 25મી કોલેજની ફાળવણી કરાશે. આ રાઉન્ડ પછી માત્ર સરકારી કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે  પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે.

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મસી કોલેજોની 5090 બેઠકો માટે મોડે મોડે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફાર્મસીમાં પ્રવેશ માટે કુલ 13778 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ.પહેલા રાઉન્ડમાં કુલ 5090 બેઠકો પૈકી 5013 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતાં 86 બેઠકો ખાલી પડી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે આપેલો સમય પૂર્ણ થઇ ચુક્યો છે. પહેલા રાઉન્ડમાં કુલ 3600 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જેની સામે 1800 બેઠકો એવી છે કે, જેમાં પ્રવેશ સમિતિએ જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા પછી પણ તેઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાર્મસીના અભ્યાસક્રમમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવવા અંગે એવું જાણવા મળ્યું છે કે, મેડિકલ-ડેન્ટલ સહિતના પેરા મેડિકલમાં હાલમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓને પેરા મેડિકલ કે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ મળી ગયો હોય અથવા તો મળવાની શક્યતા હોય તેવા વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ કન્ફર્મ કરાવતાં નથી. પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી 86 બેઠક અને રાઉન્ડ પૂર્ણ જાહેર કરાયા પછી ખાલી પડેલી 1800 બેઠકો માટે હાલમાં બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 25મીએ બીજા રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. બીજા રાઉન્ડ પછી ખાલી પડનારી બેઠકોની વિગતો આગામી 30મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પહેલા રાઉન્ડ બાદ હાલ સરકારી કોલેજોની અંદાજે 41 બેઠકો ખાલી પડી છે. બીજા રાઉન્ડ પછી પણ સરકારી કોલેજની બેઠકો ખાલી પડશે તો તેના માટે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આમ, ફાર્મસીમાં મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પ્રવેશના પહેલા રાઉન્ડમાં 3600 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવતાં મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ અને પેરા મેડિકલ કઇ બ્રાન્ચમાં પ્રવેશ મળે છે તેની રાહ જોઇ રહ્યા છે.