Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધો.10 અને 12ની માર્કશીટ ડીજીલોકર પર મુકવાનો નિર્ણય લેવાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી જેમાં બોર્ડના સભ્યોના આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા હતા. જેમાં મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ 147 કરોડ અને વર્ષ 2023-24નું રૂ.186 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધોરણ 10 અને 12ની માર્કશીટ ડીજીલોકર ઉપર મૂકવા તેમજ  કમ્પ્યૂટર ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી સામાન્ય સભામાં વિદ્યાર્થીની આચારસંહિતા જેવી કે શિસ્ત, નિયમિત શાળાએ આવવું, નિયમિત ગૃહકાર્ય કરવું વગેરેને લગતો પ્રસ્તાવ ધીરેન વ્યાસનો મંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો પ્રસ્તાવ ધોરણ 10 અને 12ની માર્કશીટને DIGILOCKERમાં મૂકવાનો હતો,  જે અંગેની હાલ કામગીરી ચાલુ છે. ડૉ. પ્રિયવદન કોરાટનો શિક્ષણ પવિત્ર વ્યવસાય હોય શિક્ષકને અનુરૂપ પહેરવેશની જોગવાઈ કરવા અંગેનો પ્રસ્તાવ અંગે શાળા સંચાલકોએ પોતાની શાળાના શિક્ષકો કેવા કપડાં પહેરે તે જોવાનું હોય, તેમાં શિક્ષણ બોર્ડ દરમિયાનગીરી કરવા માગતું નથી, ચર્ચાને અંતે આ અંગે કોઈ નિર્ણય થયો ન હતો.

અમદાવાદ સહિત મોટા શહેરોમાં શાળાનું મેદાન મળવું મુશ્કેલ હોય, આથી નજીકની શાળા મેદાન આપે તો મેદાન વગર શાળા મંજૂર કરવી, તેવો પ્રસ્તાવ પણ નામંજૂર કરાયો હતો. ધોરણ 10માં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત અલગ કરવાની વાત હાલ મુલતવી રાખવામાં આવી છે. 26 વર્ષથી કમ્પ્યૂટર ફીમાં વધારો કરવામાં આવ્યો નથી, જેમાં આંશિક વધારો રૂ.150 અગાઉ ઉત્તરોતર કારોબારી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો, શાળા મંજૂરી માટે ભાડા કરાર સબ રજિસ્ટ્રારને બદલે નોટરીનું માન્ય રાખવું જોઈએ. જે પ્રસ્તાવ અગાઉ કારોબારી સમિતિએ સ્વીકાર્યો નહીં હોવાથી તે પણ નામંજૂર કરાયો હતો.