Site icon Revoi.in

છેલ્લા સાત વર્ષમાં સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમમાં રૂપિયા 40,700 કરોડ મંજૂર કરવામાં આવ્યા

Social Share

દિલ્હી : આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે.

મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે તે પડકારોને ઓળખી કાઢીને સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો, તેમને ઉત્પાદન, સેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીનફિલ્ડ ઉદ્યોગસાહસો શરૂ કરવામાં તેમને મદદ કરવાનો છે.

આ પ્રસંગે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “મારા માટે આ ગૌરવ અને સંતોષની વાત છે કે 1.8 લાખ કરતાં વધુ મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને રૂ. 40,600 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે.”

નાણાં મંત્રીએ SUPI યોજનાની 7મી વર્ષગાંઠ નિમિત્તે જણાવ્યું હતું હતું કે, “આ યોજનાએ એક એવી ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યું છે જે તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકોની શાખાઓમાંથી લોન મેળવીને ગ્રીન ફિલ્ડ ઉદ્યોગસાહસોની સ્થાપના કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે છે અને તેને આગળ ધપાવે છે. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના SC, ST અને મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઇ છે.”

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાએ ઉદ્યોગસાહસિકોના સેવાથી વંચિત/ઓછી સેવાઓ મેળવનારા વર્ગને ઝંઝટ-મુક્ત સસ્તું ધિરાણ સુનિશ્ચિત કરીને અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાએ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને તેમની ઉદ્યોગસાહસિકતા દર્શાવવા માટે પાંખો પ્રદાન કરી છે અને સંભવિત ઉદ્યોગસાહસિકો આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવામાં તેમજ રોજગારના સર્જકો બનીને એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાની 7મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, “સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના નાણાકીય સમાવેશીતા માટેના રાષ્ટ્રીય મિશનના ત્રીજા સ્તંભ પર આધારિત છે જેનું નામ છે “ભંડોળ વિહોણાને ભંડોળ આપવું”. આ યોજનાની મદદથી અનુસૂચિત કોમર્શિયલ બેંકોની શાખાઓમાંથી SC/ST અને મહિલા સાહસિકોને વિના અવરોધે ધિરાણ પ્રવાહ ઉપલબ્ધ થાય તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યોજના ઉદ્યોગસાહસિકો, તેમના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે જીવનધોરણ સુધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.”

ડૉ. કરાડે જણાવ્યું હતું કે, “છેલ્લા સાત વર્ષ દરમિયાન 1.8 લાખથી વધુ ઉદ્યોગસાહસિકોએ આ યોજનાનો લાભ લીધો છે.” ડૉ. કરાડે વધુમાં ઉમેર્યું હતું કે, “મારા માટે એ પણ ખૂબ જ આનંદની વાત છે કે આ યોજના હેઠળ આપવામાં આવેલી 80%થી વધુ લોન મહિલાઓને આપવામાં આવી છે.”

સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો ઉદ્દેશ આ મુજબ છે:

• મહિલાઓ, SC અને ST વર્ગોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું;
• મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીન ફિલ્ડ ઉદ્યોગસાહસો માટે લોન પૂરી પાડવી;
• અનુસૂચિત કોમર્શિયલ બેંકોની બેંક શાખા દીઠ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઓછામાં ઓછા એક ધીરાણ લેનાર ઉમેદવાર અને ઓછામાં ઓછી એક મહિલા ધીરાણ લેનાર ઉમેદવારને રૂ. 10 લાખથી રૂ. 100 લાખની વચ્ચેની બેંક લોનની સુવિધા આપવી.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા શા માટે?

SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગસાહસો સ્થાપવામાં, લોન મેળવવામાં અને વ્યવસાયમાં સફળ થવા માટે સમયાંતરે જરૂરી અન્ય સહાયતામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના બનાવવામાં આવી છે. આથી આ યોજનામાં એવી ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે લક્ષ્ય વર્ગોને વ્યવસાય કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે અને તેને આગળ ધપાવે. આ યોજનાનો ઉદ્દેશ્ય તમામ બેંકની શાખાઓને તેમની પાસેથી ધીરાણ લેનાર SC, ST અને મહિલાઓને તેમના પોતાના ગ્રીનફિલ્ડ ઉદ્યોગસાહસો સ્થાપવા માટે ધીરાણ પૂરું પાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઇચ્છુક અરજદારો આ યોજના હેઠળ અહીં આપેલા વિકલ્પો દ્વારા અરજી કરી શકે છે:

• સીધા શાખામાં અથવા,
• સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www.standupmitra.in) દ્વારા અથવા,
• લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) દ્વારા.

આ લોન માટે પાત્રતા ધરાવનારા તમામ ઉમેદવારો કોણ છે?

• SC/ST અને/અથવા મહિલા સાહસિકો કે જેમની ઉંમર 18થી વધુ હોય;
• આ યોજના હેઠળની લોન માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે જ ઉપલબ્ધ છે. ગ્રીન ફિલ્ડનો અર્થ એવો થાય છે કે, આ સંદર્ભમાં, મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં લાભાર્થીનું પ્રથમ વખત ઉદ્યોગસાહસ છે;
• બિન-વ્યક્તિગત ઉદ્યોગસાહસોના કિસ્સામાં, 51% શેર હિસ્સો અને નિયંત્રણ હિસ્સો SC/ST અને/અથવા મહિલા ઉદ્યોગસાહસિક પાસે હોવો જોઇએ;
• ધીરાણ લેનારાઓ કોઇપણ બેંક/નાણાકીય સંસ્થામાં નાદાર ન હોવા જોઇએ;
• આ યોજનામાં ‘15% સુધી’ માર્જિન મનીની વિભાવના કરવામાં આવી છે જે પાત્રતા ધરાવતી કેન્દ્ર/રાજ્ય યોજનાઓ સાથે એકકેન્દ્રિતામાં પ્રદાન કરી શકાય છે. કોઇ પણ સંજોગોમાં, ધીરાણ લેનારાએ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 10% પોતાના યોગદાન તરીકે લાવવાની રહેશે.