અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ અને નાણાની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી એક યુવાન રૂ. 1.34 કરોડની રોકડ સાથે પકડાયા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ રોકડ રકમ બાબતે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પોલીસ દ્વારા ખાસ ચેકપોસ્ટ ઉભી કરીને વાહન તપાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ અસામાજીક તત્વોની વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે. દરમિયાન રામોલ વિસ્તારમાં પોલીસે ભાવેશ વાળંદ નામના યુવાનને પોલીસે રૂ. 1.34 કરોડની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
યુવાન પાસેથી રોકડ રકમ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસની તપાસમાં યુવાન આંગડિયા પેઢીમાં નોકલી કરતો હોવાનું ખુલ્યું છે. આ રકમ મુંબઈ મોકલાવવાની હોવાનું સામે આવ્યું છે. જો કે, યુવાન પાસે રકમ બાબતે કોઈ ચોક્કસ પુરાવા નહીં પોલીસે રોકડ રકમ જપ્ત કરીને તપાસ આરંભી છે. તેમજ આંગડિયા પેઢીને પણ આ રકમ અંગે ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.