Site icon Revoi.in

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, રોડ બ્લોક અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વચ્ચે પોલેન્ડને અડીને આવેલા કિવથી 700 કિમી દૂર બોડોમિર્ઝ બોર્ડર સુધી ઘાયલ હરજોત સિંહને સુરક્ષિત લઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હરજોત યુક્રેનમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી છે. જેમને થોડા દિવસો પહેલા કિવમાં રશિયન હુમલા દરમિયાન ગોળી વાગી હતી અને યોગ્ય સમયે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ ભારતીય એમ્બેસીએ હરજોતને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી. જો કે, બોમ્બમારા વચ્ચે આ 700 કિલોમીટરનો રસ્તો પાર કરવાનો સૌથી મોટો પડકાર હતો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દેશમાં ઈંધણની અછત સર્જાઈ છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તેના પોતાના એક ડ્રાઇવરને હરજોતને કાર દ્વારા પોલેન્ડની સરહદ પર મૂકવા સૂચના આપી.

ભારતીય દૂતાવાસે એક ટ્વિટમાં હરજોતને દરેક સંકટમાંથી બચાવવા અને તેને સુરક્ષિત રીતે લાવનારા  ડ્રાઇવરની પ્રશંસા કરી છે. એમ્બેસીએ લખ્યું કે અમે અમારા ડ્રાઈવરની પ્રશંસા કરીએ છીએ. ગોળીબાર અને ઈંધણની અછત વચ્ચે દૂતાવાસના ડ્રાઈવરે બહાદુરી દર્શાવી અને હરજોતને કિવથી બોડોમીર સરહદ સુધી સફળતાપૂર્વક લઈ જવાયો હતો. એમ્બેસીએ એમ પણ કહ્યું કે કિવથી બોડોમીરનું અંતર લગભગ 700 કિલોમીટર છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે હરજોતને ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર દ્વારા પોલેન્ડથી ભારત મોકલવામાં આવ્યો છે.