Site icon Revoi.in

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 80 હજાર મિલ્કતોના દસ્તાવેજ થયાં, સરકારને 694 કરોડની આવક થઈ

Social Share

અમદાવાદઃ કોરોનાને લીધે સરકારને પણ આવકમાં મોટા ફટકો પડ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે રાજ્યમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે રાજ્યમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં જમીન- મકાન મિલકતોના ખરીદ- વેચાણના 80 હજાર જેટલા દસ્તાવેજ નોંધાયા હતા.  રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એપ્રિલ મહિનામાં 82,715 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. કુલ દસ્તાવેજોમાંથી 90થી 95 ટકા જમીન- મકાનના હોય છે જેથી એપ્રિલમાં 70થી 80 હજાર જેટલી મિલકતોના દસ્તાવેજો નોંધાયા હતી. સરકારને એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે 694 કરોડની આવક થઇ હતી.

રાજ્યમાં કોરોનાના કેસો એપ્રિલ મહિનામાં સૌથી વધુ નોંધાયા હતા. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. એટલે રાજગાર ધંધા ઠપ થઈ ગયા છે. લોકો નવા મકાનોની ખરીદી ઓછી કરવા લાગ્યા છે. તેની અસર રિયલ એસ્ટેટને પડી છે.એપ્રિલમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં સરકારી કચેરીઓ પણ 50 ટકા સ્ટાફથી ચલાવવાના આદેશ કરાયા છે. દસ્તાવેજ નોંધણી માટે ભીડ ન થાય તે માટે જરૂર લાગે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રેશન બંધ રાખવા કલેક્ટરોને કહેવાયું છે. અનેક જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં દસ્તાવેજ નોંધણી બંધ છે. છતાં મે મહિનાના 10 દિવસમાં જ 11,518 દસ્તાવેજો નોંધાયા છે અને 15 કરોડ રૂપિયાની આવક થઇ છે.

ગત વર્ષે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ લોકડાઉનને કારણે સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ફટકો પડ્યો હતો ત્યારે આ વખતે પણ એપ્રિલમાં જ કોરોના સંક્રમણ વધતા અને નિયંત્રણોને કારણે આવી સ્થિતિ સર્જાવાની દહેશત હતી પરંતુ 1 એપ્રિલથી 10 મે સુધીના 40 દિવસમાં જ 92,233 દસ્તાવેજોની નોંધણી થઇ છે અને 710 કરોડની આવક થઇ હતી. દસ્તાવેજની નોંધણી ગત નાણાકીય વર્ષમાં સૌથી વધુ માર્ચમાં થઇ હતી. માર્ચ 2021માં કુલ 1.61 લાખ દસ્તાવેજો નોંધાયા હતા અને આ એક જ મહિનામાં 1235 કરોડની આવક થઇ હતી. એપ્રિલમાં માર્ચની સરખામણીએ દસ્તાવેજ નોંધણી અને આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ 2019ના એપ્રિલની સરખામણીએ આવકમાં 67.91 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલમાં લોકડાઉન હોવાથી દસ્તાવેજોની નોંધણી થઇ શકી ન હતી.

ગત વર્ષે કોરોના કાળમાં 67 દિવસના લોકડાઉનને કારણે એપ્રિલથી જુલાઇમાં દસ્તાવેજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ઓગષ્ટ પછી સ્થિતિ સામાન્ય થઇ હતી. જોકે વર્ષ 2019-20માં સ્ટેમ્પ ડ્યુટીની 7,701 કરોડની આવક સામે વર્ષ 2020-21માં 7,363 કરોડની આવક થતાં 337 કરોડનો ઘટાડો થયો હતો.