Site icon Revoi.in

ગુજરાતના નવા મંત્રી મંડળમાં ઝોન, જ્ઞાતિ સહિત તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સમતુલન રખાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે  બપોરે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત ની નવી સરકારમાં 27થી વધુ મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનારા ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ કેવુ હશે તે હવે સામે આવી ગયુ છે. 27 જેટલા મંત્રીઓ આજે બપોરે શપથ લેશે, જેમાં 80 ટકા મંત્રીઓના નામ સામે આવી ગયા છે. નવી કેબિનેટના જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન-જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતના લગભગ દરેક ઝોનને આવરી લેવામા આવ્યા છે. સાથે જ આ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.

ઝોન મુજબ વિશ્લેષણ કરીએ તો સૌરાષ્ટ્રના 7 , કચ્છના 1, ઉત્તર ગુજરાતના 3, અમદાવાદ-ગાંધીનગરના 2 (મુખ્યમંત્રી સહિત ગણીએ તો 3), મધ્ય ગુજરાતના 4 અને દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. ‘નો રિપીટ’ થિયરીને વળગીને ભાજપે નવુ મંત્રીમંડળ બનાવ્યું છે. જેમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓ જોવા મળી રહ્યાં છે.

ગાંધીનગરના શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવ્યા હતા, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને ફોન કરીને મંત્રીની જવાબદારી સોંપવામાં આવશે તેવું પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું હતું.