Site icon Revoi.in

રાજ્યમાં બે વર્ષમાં લાંચિયા બાબુઓ સામે 314 ગુના નોંધાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં આવક કરતા વધુ મિલ્કત ધરાવતા સરકારી અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન બે વર્ષમાં લાંચના 314 જેટલા ગુના દાખલ કરાયાં હતા. એટલું જ નહીં એસીબીએ દરોડા દરમિયાન રૂ. 2.24 કરોડ જેટલી મતા જપ્ત કરવામાં આવી હતી.

314 ગુનાઓ પૈકી 177 ગુનામાં આરોપીઓ સામે તપાસનીશ એજન્સી દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જ્યારે 137 જેટલા ગુનાની હાલ તપાસ ચાલતી હોવાથી આગામી દિવસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આમ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ ગુના દાખલ પોલીસ કર્મીઓ સામે કરવામાં આવેલ છે જેની સંખ્‍યા 86ની છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના સૌથી વધારે કેસ મહેસુલ વિભાગ તથા ગૃહ વિભાગમાં સામે આવતું હોવાનું ચર્ચાય રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પારદર્શિત વહીવટ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, એટલું જ નહીં એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસીબી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે.