Site icon Revoi.in

ઉપલેટામાં રેશનિગના ઘઉં-ચોખાના 2939 કટ્ટા પકડાયા, વેપારી લોટ બનાવીને વેચતો હતો

Social Share

રાજકોટઃ રાજ્યમાં રેશનિંગનું અનાજ લાભાર્થીઓને આપવાને બદલે કાળા બજારમાં પગ કરી જતું હોય છે. દરેક પુરવઠા મામલતદારોને રેશનિંગના અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કેમ તે અંગે ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન રાજકોટ  જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા આવેલી દુકાનમાં ફારૂક ઈબ્રાહીમ જાહેર વિતરણના ઘઉં-ચોખાનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી લોટ બનાવી કાળા બજારમા વેચતા હોવાની બાતમી આધારે ધોરાજી પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદારની ટીમે દરોડો પાડી અનાજનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમાં તથા પંચહાટડી ચોકમાં આવેલ દુકાનમાં ફારૂક ઈબ્રાહીમ જાહેર વિતરણના ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી લોટ બનાવી કાળા બજારમાં વેચતા હોવાની ચોક્કસ બાતમી આધારે ધોરાજી પ્રાંત અધિકારી તથા માર્ગદર્શન હેઠળ ઉપલેટા મામલતદાર તથા નાયબ મામલતદારની ટીમ સાથે ફારૂક ઈબ્રાહીમભાઈ સુરીયા હસ્તકના ગોડાઉન અને દુકાનના સ્થળે તપાસ કરી જાહેર વિતરણના સરકારી ચોખા 14,97,100 કિંમતના 1493 કટ્ટા, તથા 3,57,360 કિંમતના 453 કટ્ટા ઘઉં અને 450 કિંમતની તુવેર દાળ સરકારી માર્કા પેકીંગ વાળી મળી કુલ રૂ. 18,58,860નો સરકારી સસ્તા અનાજનો ગેરકાયદેસર જથ્થો સીઝ કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ સુરીયા દ્વારા આ ઘઉં-ચોખાનો જથ્થો સરકારી બારદાનમાંથી પ્લાસ્ટિક બારદાનમાં ફેરવી બાદ આ જથ્થામાથી ફ્લોર મીલ દ્વારા લોટ બનાવી રૂ.25/- ના પ્રતિ કિલો ભાવે કાળા બજારમાં વેંચાણ કરવાની પ્રવૃતિ કરવામાં આવતી હતી અને તેઓ દ્વારા આ જથ્થો કાર્ડ ધારકો પાસેથી પોતાની પંચહાટડી ચોકની દુકાને રૂ.15/- ના ભાવે ખરીદી રઘુવીર બંગલાના ગોડાઉને લાવી આવી પ્રવૃત્તિ કરતા હોવાની કબૂલાત કરી હતી. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સરકારી માર્કાવાળા ખાલી બારદાનો ઉપરાંત 72 ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. તે અંગેની પૂછપરછમાં ચોખા 80 કટ્ટા પી.ડી.પારઘી પંચહાટડી ચોકની સસ્તા અનાજની દુકાનેથી ખરીદ્યાનુ જાહેર કરતા તે અનુસંધાને પી.ડી. પારઘીની સસ્તા અનાજની દુકાનની તપાસ કરતા ત્યાથી પણ સ્ટોક સિવાયના વધારાના ઘઉંના 72 કટ્ટાનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા સીઝ કરી સમગ્ર બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.