Site icon Revoi.in

વડોદરામાં કેન્દ્રીય ચૂંટણીપંચે 6 જિલ્લા કલેક્ટરો અને SP સાથે વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

Social Share

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મોટાભાગની તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં ફરીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાના કલેકટરો સાથે બેઠક યોજ્યા બાદ વડોદરામાં 6 જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ  તારીખ 16 ઓકટોબરથી  ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે છે, ત્યારે  બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા વડોદરાના અલકાપુરી ખાતે 6 જિલ્લાના  કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓના કલેક્ટર સાથે કેન્દ્રીય ચૂંટણી પંચે બેઠક કરી હતી. આ બેઠકમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર ,SP સહિતના અધિકારીઓ બેઠકમાં  સામેલ થયા હતા. નોંધનીય છે કે  પોલીસ અધિકારીઓ તેમજ   જિલ્લા કલેક્ટર સાથે ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરી હતી. આ અગાઉ ચૂંટણીપંચે સૌ પ્રથમ રાજકોટ તેમજ સુરતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પણ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ  ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઇ હતી.

સુરતમાં ચૂંટણી પંચે મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી અને મતદાર યાદીથી માડીને ચૂંટણીની  તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે તેમજ જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી હતી.  ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે, રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકો નક્કી થશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીવાળીના તહેવાર દરમિયાન  ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી તમામ શકયતાઓ છે.(file photo)