Site icon Revoi.in

વાઘોડિયામાં તોફાની વાનરે અનેક લોકોને બચકા ભરતા ભયનો માહોલ

Social Share

વડોદરાઃ વાઘોડિયામાં એક તોફાની વાનરે જે સામે મળે તેની પર હુમલો કરી અનેકને ઘાયલ કરતાં અફરા તફરી મચી હતી. અનેક વિસ્તારોને બાનમાં લેતા ગામમાં સોપો પડી ગયો હતો. કપિરાજને પાંજરે પુરવા વનવિભાગને જાણ કરાઈ હતી. વાનરના આતંકથી લોકો ઘરમા પુરાઈ ગયા હતા. વાઘોડિયાના અનેક વિસ્તારોમાં તોફાન મચાવી હુમલો કરતા વાનરે એક મહિલા, એક વૃદ્ધ અને ત્રણ યુવાનોને બટકું ભરી લોહિલુહાણ કરી આતંક મચાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વાઘોડિયામાં આવેલા નવાપુરા, સ્વામી નારાયણ મંદિર, રણછોડજી ફળીયા અને ઊંડા ફળીયા સહિત કુલ પાંચ વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જ્યારે છ થી સાત અન્ય લોકોને નહોર મારી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. ઊંડા ફળીયામાં સ્વામી નારાયણ મંદિર પાસે રહેતા આશા વર્કર તસ્લીમાબેન સુલેમાન મન્સુરી બાળકીને બચાવવા જતાં જ્યારે રામાભાઈ રાવત (ટાવર પાસે) રોડ પર જતા તાફાની વાનરના હુમલાનો ભોગ બન્યા હતા. આ ઉપરાંત ઊલ્લાસ રાઠવા નામનો યુવાન અગાસીમાં બૂટ લેવા જતો હતો ત્યારે વાનરે પગ અને બરડામાં બચકું ભરતાં ગંભીર ઈજાઓ થઇ હતી. યુવાનને લોહી નીકળતી હાલતમાં પ્રથમ પારુલ હોસ્પિટલ ત્યાર બાદ વડોદરા વઘુ સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે ભીખુભાઈ પટેલ ( ઉ.વ.65) નવાપુરાને મંદિરે દર્શન કરવા જતા હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, અન્ય લોકોએ વાનરના હુમલાથી છોડાવતા જીવ બચી ગયો હતો. ઇજાગ્રસ્તોને વાઘોડિયા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરાવવાની ફરજ પડી હતી.

(Photo-File)

Exit mobile version