Site icon Revoi.in

વલસાડમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને રજિસ્ટાર કચેરીએ પહોંચ્યા, સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

Social Share

વલસાડઃ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાતાના વિભાગના અધિકારીઓની લાલીયાવાડી સામે લાલ આંખ કરી છે. મહેસુલ મંત્રી જાતે જ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા હોવાથી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે નવસારીની મુલાકાત લીધા બાદ આજે મહેસુલ મંત્રી વલસાડ પહોંચ્યા હતા. વલસાડમાં આજે મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમના નિર્ધારીત સમય પહેલાં પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી અને એક રિક્ષામાં બેઠા હતા. રીક્ષામાં જ બેસી તેઓ કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધા જ વલસાડની રજિસ્ટાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજ કરાવવા આવેલા અને પોતાનું કામ લઈને આવેલા અરજદારો સાથે મુલાકાત કરી હતી.

વલસાડની રજિસ્ટ્રાર કચેરીમાં સરપ્રાઈઝ મુલાકાતે મહેસુલ મંત્રી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. પોતાના કામ માટે કચેરીએ આવેલા અરજદારો પણ મંત્રીને જોઈને ચોંકી ગયા હતા. પોતાની કામ કરવાની આગવી શૈલી મુજબ  રાજેન્દ્ર ત્રિવેદી સીધા અરજદારો સાથે મુલાકાત કરી હતી.અરજદારોની પૂછપરછ કરી હતી. અને કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યુ હતું.  સાથે તેમણે  સરકારી કામમાં કચેરીમાં કોઈ કર્મચારી કે અધિકારી પૈસાની માંગણી કરે છે કે કેમ તેવી પણ અરજદારો સાથે પૂછપરછ કરી હતી. અરજદારોને એ પણ પૂછ્યું કે, નિર્ધારિત સમયમાં જ તેમનું કામ થઈ જાય છે કે કેમ..?? આ સાથે અનેક પ્રકારની પૂછપરછ કરી હતી. આમ એક અરજદારને લઈને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક કર્મચારી સાથે પણ વાતચીત કરી હતી. પોતાના વિભાગમાં આવી રીતે સમયબદ્ધ અરજદારોના કામ થઈ રહ્યા હોવાનુ જાણતા જ રાજેન્દ્ર ત્રિવેદીએ ખુશી વ્યક્ત કરી હતી.

રાજ્યના મહેસૂલ મંત્રી સામાન્ય નાગરિકની જેમ પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી સીધા જ રિક્ષામાં સરકારી કચેરી સુધી પહોંચતા જિલ્લા કલેકટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાંથી ઉતરીને જાતે જ રિક્ષાનું ભાડુ પણ ચૂકવ્યું હતું.