Site icon Revoi.in

થોરિયાળી ડેમમાં અપુરતો પાણીનો જથ્થો, સાયલાને વખતપર જુથ યોજનાનું પાણી આપવા માગ

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા પંથકમાં ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ન હોવાથી પીવાના પાણીની સમસ્યા ઉનાળાના આગમન પહેલા જ સર્જાવવાની શક્યતા છે. હાલ થોરિયાળી ડેમમાં 30 દિવસ જેટલું જ પાણી રહ્યું છે.આથી સરંપંચ અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવા આવે તેવી માગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

સાયલાના સરપંચ અજયરાજસિહ ઝાલા, વિરશંગભાઈ અઘારા, ત્રિકમભાઈ પટેલ, પિન્ટૂભાઈ જાડેજા, મહિપતસિંહ ચાવડા, પ્રદીપભાઈ પરમાર સહિત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં સાયલામાં પીવાના પાણી પ્રશ્ને લેખિત રજૂઆત કરી હતી. કે, સાયલા ગામ માટે થોરિયાળી ડેમમાં આ વર્ષ ઓછો વરસાદ ને લઇ પાણી ઓછું આવ્યું છે. હાલ જે પાણી છે તે અંદાજીત 30 દિવસ જેટલું ચાલે તેમ છે. હાલ સાયલા ગામને બીજી કોઇ યોજના અંતર્ગત પાણી આપવામાં આવતું નથી. હાલ ડેમમાં જે પાણી છે તે પાણીથી જો નજીકની ખાણ ભરવામાં આવે તો ડેમમાંથી થતી પાણી ચોરી અટકી જાય અને સાયલા ગામને ખાણમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તો અંદાજે 2 માસ પાણી પૂરુ પાડી શકાય તેમ છે. આ ઉપરાંત  વખતપર જૂથ યોજના અંતર્ગત સાયલાનું નામ હોવા છતાં સાયલાને પીવાનું પાણી મળતું નથી. જો આ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે તો સાયલા ગામને પાણીથી થનારી સમસ્યાથી થોડી રાહત મળે તેમ છે. સાયલા ગામની 22 હજારથી વધુ વસતીને આવનારા 8 માસ પીવાનું પાણી વિકટ પ્રશ્ન બને તેમ છે. આથી વહેલી તકે સાયલા ગામની પાણીની સમસ્યા દૂર કરવા માગ કરી હતી.