Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનો પ્રારંભ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ.ધનંજય વાય. ચંદ્રચુડે આજે સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રની સ્થાપના આયુષ મંત્રાલય સાથે જોડાયેલી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની ભાગીદારીથી કરવામાં આવી છે. આ પ્રસંગે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો.મુંજપરા મહેન્દ્ર કાળુ, આયુષ સચિવ રાજેશ કોટેચા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તેઓ આયુર્વેદ અને સર્વગ્રાહી જીવનશૈલીના સમર્થક છે. સુપ્રીમ કોર્ટમાં કામ કરતા 2000થી વધુ કર્મચારીઓને આ કેન્દ્રનો લાભ મળશે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના ડાયરેક્ટર તનુજા નેસારી અને આયુષના ડોકટરોનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આયુષ દ્વારા જજ અને તેમના પરિવારજનો સાથે તમામ સ્ટાફ મેમ્બરોને ઘણો લાભ મળશે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ અને અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા વચ્ચે આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરની સ્થાપના, સંચાલન અને નિષ્ણાત સેવાઓ પ્રદાન કરવા અંગેના એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.