Site icon Revoi.in

સાબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નું ઉદ્દઘાટન

Bhagwan Yajnavalkya Veda Sanskrit Mahavidyalaya at Mudeti

Bhagwan Yajnavalkya Veda Sanskrit Mahavidyalaya at Mudeti

Social Share

સાબરકાંઠા, 4 એપ્રિલ, 2026 – “મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અહીં જણાવ્યું હતું. સાબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”ના ઉદ્દઘાટન પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

આ પ્રસંગે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્ન:’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ રોજગાર વાંચ્છુઓ સાથે પણ થઈ રહી છે ગુનાઈત છેતરપિંડી, જાણો મોડસ ઓપરેન્ડી વિશે

સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિશે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સંસ્કૃત ભાષા આપણા વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત છે અને તેના વિના આપણો ઇતિહાસ સમજવો અશક્ય છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જેવાં માધ્યમોથી સરકાર સંસ્કૃતના જતન માટે કટિબદ્ધ છે. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી, કમ્પ્યૂટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે.

Bhagwan Yajnavalkya Veda Sanskrit Mahavidyalaya at Mudeti

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નથી પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલા જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે આ નૂતન સંકુલની પ્રશંસા કરતા ઉમેર્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. આ સંસ્થા વૈદિક પરંપરાઓના જતન માટે એક આદર્શ કેન્દ્ર બની રહેશે તેવો તેમણે મંગલ ભાવ વ્યક્ત કર્યો હતો.

આ વેદ વિદ્યાલયની સ્થાપના પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. સમય જતાં, પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણાથી અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી ૧૯૮૮માં આ ટ્રસ્ટની પુન: સ્થાપના થઈ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ “ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય” ના બીજ રોપાયા, જે આજે એક ઘટાદાર વૃક્ષ બનીને આપણી સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે.

આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટી ગણ, રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો, પદાધિકારીઓ અને આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version