Site icon Revoi.in

અમદાવાદના કોરોના ટેસ્ટમાં કરાયો વધારોઃ બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલાશે

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પહેલા દરરોજ 600થી વધારે RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હાલ સરેરાશ 1500થી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજી વખત કોઈ કોરોના સંક્રમિત થાય તો તેના સેમ્પલ તપાસ માટે પૂના મોકલી આપવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મનપા દ્વારા ઠેર-ઠેર કેમ્પ ઉભા કરીને કોરોના ટેસ્ટીંગ વધાર્યું છે. બીજી તરફ આરટીપીસીઆર ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બી. જે.મેડિકલ કોલેજના ડિનના જણાવ્યા અનુસાર  બી.જે.મેડિકલ કોલેજમાં અગાઉ 600થી 800 જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા. તેમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દરરોજ સરેરાશ 1500થી 1600 જેટલા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે પૈકી 22થી 25 ટકા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટના જણાવ્યા અનુસાર 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 645 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 12 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. કોરોનાની મહામારીમાં અત્યાર સુધીમાં કુલ 545 આરોગ્ય કર્મચારીઓ હાલ સુધી સંક્રમિત થયા છે. તેમજ 12 તબીબો પૈકી 7 સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં છે.