Site icon Revoi.in

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ટ્રાફિકમાં વધારો, 13000 પ્રવાસીઓએ સ્માર્ટ કાર્ડ કઢાવ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેન શરૂ કરતાં એમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. શહેરીજનો હવે ગીચ ટ્રાફિકમાં પોતાનું વાહન લઈને જવાને બદવે મેટ્રો ટ્રેનની મુસાફરી વધુ પસંદ કરવા લાગ્યા છે. ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન ફેઝ-1માં લગભગ 39 કિલોમીટરના રૂટ પર દોડતી થઈ છે. માત્ર મનોરંજનનું સાધન રહેલી મેટ્રો ટ્રેન લોકો માટે હવે ઉપયોગી અને ઝડપી પરિવહનનું સાધન બની ગઈ છે. મેટ્રોમાં રોજે રોજ ટિકિટની ખરીદી કરવાના બદલે 13 હજાર પ્રવાસીઓએ  સ્માર્ટ કાર્ડ કઢાવ્યા છે. હાલ રોજના સરેરાશ 400 સ્માર્ટ કાર્ડનું વેચાણ થઈ રહ્યું છે. મેટ્રો રેગ્યુલર શરૂ થયા બાદ હવે રોજ અંદાજે 50 હજાર પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં એક દિવસમાં સૌથી વધુ 67 હજાર પ્રવાસીઓ અને નોર્થ સાઉથ કોરિડોરમાં 31 હજાર પ્રવાસીઓ  નોંધાયા હતા.આમ ઉતરોત્તર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક સમયે બીઆરટીએસમાં મુસાફરી માટે 4.5 લોકોએ સ્માર્ટ કાર્ડ કઢાવ્યા હતા. હાલમાં રોજ 40 હજાર લોકો ડેઈલી તેનો ઉપયોગ કરે છે અને 16 હજાર લોકો ડિજિટલ પેમેન્ટ કરે છે. ગત તા.30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીએ મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું.  હાલ વસ્ત્રાલ ગામથી થલતેજ રૂટ પર સરેરાશ 35 હજારથી વધુ પેસેન્જરો તેમજ એપીએમસીથી મોટેરા રૂટ પર સરેરાશ 15 હજાર પેસેન્જરો રોજ મુસાફરી કરે છે. ઓક્ટોબરમાં મેટ્રોમાં કુલ 15.39 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરતા 2.52 કરોડ,  જ્યારે નવેમ્બરના 7 દિવસમાં 3.42 લાખ પેસેન્જરે મુસાફરી કરતાં જીએમઆરસીને 56.59 લાખની આવક થઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે મેટ્રો ટ્રેનમાં રોજ અપડાઉન કરતા પ્રવાસીઓ માટે સ્માર્ટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ અપાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. સ્માર્ટ કાર્ડ ધરાવતા લોકોને ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. તેમને મેટ્રો સ્ટેશને પહોંચ્યા બાદ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ પર આ સ્માર્ટ કાર્ડ ટેપ કરવાનું રહેશે. ગેટ પર કાર્ડ ટેપ કરતા દરવાજો ખુલી જશે અને જાતે જ ભાડું પણ તેમાંથી કપાઈ જશે. વધુમાં કોઈ પણ પેસેન્જર રૂ. 50ની ડિપોઝિટ ભરી કાર્ડ લઈ શકે છે અને તેમાં 50 રૂપિયાના ગુણાંકમાં બેલેન્સ કરાવી શકે છે. વધુમાં આ કાર્ડનો ઉપયોગ કરનારા પેસેન્જરોને ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Exit mobile version