Site icon Revoi.in

રાજ્યના ઈન્ટર્ન અને રેસિડન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે. અમદાવાદ સહિત મહાનગરોની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, ત્યારે આવા કપરા કાળમાં કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને અવિરત સેવા આપતા તબીબો અને નર્સિંગ સ્ટાફ ધન્યવાદને પાત્ર છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તબીબી સ્ટાફની કામગીરીને બીરદાવી હતી. સરકારે આજે ઈન્ટર્નસ ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સ્ટાઈપેન્ડ વધારીને રૂપિયા 13000 તેમજ તા. 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પ્રોત્સાહક નિર્ણય લીધો છે. ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ  કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને  રૂ. 13,000 કર્યું હતું. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000 ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી મેડિકલના વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઈ છે.