Site icon Revoi.in

ભારતઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને AIIMSના ડાયરેકર ગુલેરિયા આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થયો છે અને કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એઈમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ આગામી 6થી 8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતાઓ વ્યક્ત કરીને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાવચેત રહેવાની અપીલ કરી છે.

તેમણે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, આપણે અનલોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે અને ફરીથી કોરોનાના નિયમોના પાલન કરવામાં બેદરકારી દેખાઈ રહી છે. એવું લાગે છે કે પહેલી અને બીજી લહેરમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ ન શીખ્યા. ભીડ ભેગી થઈ રહી છે. લોકો ભેગા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણના આંકડા વધવામાં સમય લાગશે. પરંતુ આવનારા 6થી 8 અઠવાડિયામાં કેસ વધવા લાગશે અથવા થોડા સમય પછી. આ બધું નિર્ભર કરે છે આપણે કેવી રીતે નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ભીડ ભેગી થતા રોકી રહ્યા છીએ. તેમજ તેમણે લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. એટલું  જ નહીં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ હતી. જેથી ફરીથી આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ દેશમાં શરતોના આધિન વેપાર-ધંધા ફરીથી ધબધબતા થઈ રહ્યાં છે. તેમજ જનજીવન પાટે ચડી રહ્યું છે.