દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાની અસર ઘટડા ફરીથી આયાત-નિકાસનો વ્યવસાય રાબેતા મુજબ શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં 49.85 ટકા વધારો થયો છે. નિકાસ વધીને 35.43 અબજ ડોલર થઈ ગઈ છે. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ વધવાને કારણે જુલાઇ મહિનામાં દેશની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે.
કેન્દ્રીય વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇ મહિનામાં આયાત 63 ટકા વધીને 46.40 અબજ ડોલર થઇ ગઇ છે. જ્યારે નિકાસ નિકાસ 35.43 ડોલર રહેતા આ બંને વચ્ચેનો તફાવત એટલે કે વેપાર ખાધ 11 અબજ ડોલર રહી છે. જુલાઇ, 202૦માં વેપાર ખાધ 5 અબજ ડોલર રહી હતી.
જુલાઇ મહિનામાં ઓઇલની આયાત 97.45 ટકા વધીને 12.89 અબજ ડોલર રહી હતી. 2021-22ના એપ્રિલથી જુલાઇ સુધીના સમયગાળામાં નિકાસ 74.5 ટકા વધીને 130.82 અબજ ડોલર રહી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં નિકાસ 75 અબજ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના એપ્રિલથી જુલાઇમાં આયાત 94 ટકા વધીને 172.5 અબજ ડોલર રહી હતી.