Site icon Revoi.in

114 નવા રાફેલ ફાઇટર જેટ માટે ભારત-ફ્રાન્સ વચ્ચે 40 બિલિયન ડોલરની મહાડીલ તેજ, ભારતે મૂકી મોટી શરત

Social Share

નવી દિલ્હી, 2 જૂન 2026: ભારતીય વાયુસેનાની સૂરક્ષા ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 નવા રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટેની વાટાઘાટો અત્યંત વેગવંતી બની છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ વખતે અંદાજે 40 બિલિયન ડોલર (આશરે 3.3 લાખ કરોડ રૂપિયા) ના આ મેગા-સોદામાં એક મોટી ટેકનિકલ શરત પર અડી ગયું છે. ભારત ઈચ્છે છે કે આ ફ્રેન્ચ ફાઇટર વિમાનોમાં ભારત દેશમાં જ બનેલી સ્વદેશી મિસાઇલો સરળતાથી લગાવી શકાય અને તેના માટે ભવિષ્યમાં વારંવાર ફ્રાન્સ પર નિર્ભર રહેવું ન પડે.

આ ડીલનો સૌથી મહત્વનો મુદ્દો ‘ઇન્ટરફેસ કંટ્રોલ ડોક્યુમેન્ટ્સ’ ને લઈને અટકેળો તેજ છે. આ ડોક્યુમેન્ટ્સ વાસ્તવમાં અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ ટેકનિકલ બ્લુપ્રિન્ટ અને સોફ્ટવેર કોડ હોય છે, જે દર્શાવે છે કે ફાઇટર વિમાનનું મેઇન કમ્પ્યુટર તેની મિસાઇલો અને હથિયારો સાથે કેવી રીતે તાલમેલ બેસાડે છે. જો ફ્રાન્સ આ મહત્વના દસ્તાવેજો ભારતને સોંપી દે છે, તો ભારતીય વાયુસેના પોતાની સ્વદેશી ‘અસ્ત્ર’બિયોન્ડ-વિજુઅલ-રેન્જ મિસાઇલ અને આગામી સમયમાં આવી રહેલી અત્યાધુનિક ‘બ્રહ્મોસ-NG’ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને કોઈ પણ ફ્રેન્ચ એન્જિનિયરની મદદ વિના ખુદ જ રાફેલ વિમાનમાં ફિટ કરી શકશે.

બીજી તરફ, ફ્રાન્સ પોતાની આ અત્યાધુનિક ટેકનોલોજી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શેર કરવામાં થોડો સંકોચ અનુભવી રહ્યું છે. ફ્રાન્સને ડર છે કે ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી બનેલી બ્રહ્મોસ જેવી મિસાઇલને રાફેલ સાથે જોડવાની પ્રક્રિયા દરમિયાન પશ્ચિમી દેશોના ગુપ્ત સોફ્ટવેર સિક્રેટ્સ લીક થઈ શકે છે. હાલમાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ આનો એવો વચગાળાનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી ભારતનું કામ પણ થઈ જાય અને ફ્રાન્સની ટેકનિકલ ગુપ્તતા પણ સુરક્ષિત રહે.

આ મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાને આખરી ઓપ આપવા માટે જૂન 2026 નો મહિનો ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. આ સોદાને લઈને આ મહિને શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાવા જઈ રહી છે. સૌ પ્રથમ, ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ હાલમાં ફ્રાન્સના સત્તાવાર પ્રવાસે છે, જ્યાં તેઓ પેરિસમાં યોજાનારી પ્રખ્યાત ‘યુરોસેટરી સંરક્ષણ પ્રદર્શની’ માં પણ ભાગ લેશે. આ મુલાકાતના તુરંત બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સના એવિયાં-લે-બેં તે યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચશે. ભારતીય નેતૃત્વની કોશિશ છે કે કિંમત, ડિલિવરીની તારીખો અને ‘મેક ઇન ઇન્ડિયા’ (જેના હેઠળ 94 જેટ ભારતની અંદર જ બનાવવાની યોજના છે) સંબંધિત તમામ અવરોધોને દૂર કરીને વર્ષ 2026ના અંત સુધીમાં આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરી દેવામાં આવે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં દુનિયાની સૌથી ઘાતક ગણાતી ‘મીટિયોર’મિસાઇલોનો આશરે 350 થી 500નો સ્ટોક ઉપલબ્ધ છે. આ ફ્રેન્ચ મિસાઇલો એટલી મોંઘી અને એડવાન્સ છે કે તેને સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન દુશ્મનના મોટા રડાર વિમાનો અથવા હવામાં ઈંધણ ભરતા ટેન્કર વિમાનો જેવા મોટા લક્ષ્યોને તોડી પાડવા માટે જ અનામત રાખવામાં આવે છે. વાયુસેના ઈચ્છે છે કે સરહદ પર રોજિંદા હવાઈ પેટ્રોલિંગ માટે ભારતમાં જ બનેલી ઓછી ખર્ચાળ ‘અસ્ત્ર Mk1 અને Mk2’ મિસાઇલોનો ઉપયોગ રાફેલ પર કરવામાં આવે, જેથી યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ માટે કિંમતી મીટિયોર મિસાઇલો સુરક્ષિત બચી રહે.

વાયુસેનામાં સતત ઘટતી જતી ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યાને જોતાં ભારત માટે આ સોદો ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પડોશી દેશ પાકિસ્તાન ચીન પાસેથી અત્યાધુનિક ૫મી પેઢીના ‘જે-35 સ્ટીલ્થ ફાઇટર જેટ’ (જે રડારની પકડમાં આવતા નથી) ખરીદવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ભારતનું પોતાનું પાંચમી પેઢીનું સ્ટીલ્થ વિમાન ‘એમકા’ 2030ના દાયકાના મધ્ય પહેલાં મોટા પાયે ઓપરેશનલ થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં, આગામી એક દાયકા સુધી ભારતીય આકાશની સૂરક્ષા અભેદ્ય રાખવા માટે રાફેલ જ ભારતીય વાયુસેનાનો સૌથી મોટો સરતાજ બની રહેશે.

Exit mobile version