Site icon Revoi.in

ભારતે સસ્તા આયાતી સ્ટીલ પર 3 વર્ષ માટે ભારે ટેરિફ ઝીંકાયો

Social Share

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતીય સ્ટીલ ઉદ્યોગને ચીન અને અન્ય દેશોના સસ્તા આયાતી માલથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, હવે અમુક સ્ટીલ ઉત્પાદનો પર આગામી ત્રણ વર્ષ માટે 11 ટકાથી 12 ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાદવામાં આવી છે.

સરકારી ગેઝેટમાં પ્રકાશિત માહિતી મુજબ, સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોના હિતમાં આ ટેરિફ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. પ્રથમ વર્ષે 12 ટકા ટેરિફ અને બીજું વર્ષે 11.5 ટકા ટેરિફ તથા ત્રીજું વર્ષે 11 ટકા ટેરિફ લાગશે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ચીન તરફથી સસ્તા સ્ટીલની આયાતમાં અચાનક અને તીવ્ર વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો તેને ચીનની ‘ડમ્પિંગ’ નીતિ ગણાવી રહ્યા છે, જેના કારણે ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ જેવા ભારતીય સ્ટીલ ઉત્પાદકો પર ભારે દબાણ સર્જાયું હતું. સરકારે સ્વીકાર્યું છે કે આયાતમાં થયેલા આ વધારાથી ઘરેલું ઉદ્યોગોને મોટું નુકસાન થયું છે અને ભવિષ્યમાં પણ નુકસાન થવાની ભીતિ છે, જેથી આ ‘સેફગાર્ડ ડ્યુટી’ લગાવવી અનિવાર્ય બની ગઈ છે.

આ નવો ટેરિફ મુખ્યત્વે ચીન, વિયેતનામ અને નેપાળ થી આવતા સ્ટીલ પર લાગુ થશે. આ નિર્ણયમાં કેટલાક વિકાસશીલ દેશોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત, સ્ટેનલેસ સ્ટીલ સહિતની કેટલીક ખાસ સ્ટીલ આઈટમ્સને આ ડ્યુટીમાંથી બહાર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલ મહિનામાં સરકારે 200 દિવસ માટે 12 ટકાની કામચલાઉ ડ્યુટી લગાવી હતી, જેને હવે ત્રણ વર્ષ માટે લંબાવીને કાયમી રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

Exit mobile version