માઈક્રોસોફ્ટે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય વિશે આશાવાદી દૃષ્ટિકોણ અપનાવ્યો છે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનિત ચંડોકના જણાવ્યા અનુસાર, એઆઈ ટેક્નોલોજીને વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઝડપથી અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને “કોપાયલોટ” જેવા ટૂલ્સની વધતી જતી લોકપ્રિયતા સાથે, AI ટેકનોલોજી ઝડપથી વિસ્તરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, “એઆઈ વિશે લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે અને હવે વાસ્તવિક અને સકારાત્મક અસરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. માઈક્રોસોફ્ટ માને છે કે AIની સંભવિતતા માત્ર ટેક્નિકલ જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.” તેમણે એઆઈના વિકાસમાં સુરક્ષા, ડેટા ગોપનીયતા, પારદર્શિતા અને પૂર્વગ્રહને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. માઈક્રોસોફ્ટ તેના ગ્રાહકોના ડેટાને સુરક્ષિત રાખવા અને એઆઈનો નૈતિક રીતે ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટ માટે સૌથી ઝડપથી વિકસતા પ્રદેશોમાંનું એક છે. તેની પાસે 7000 થી વધુ લિસ્ટેડ કંપનીઓ છે અને તે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. ભારતમાં 60 મિલિયનથી વધુ નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) છે.” જે AI ના વ્યાપક ઉપયોગ માટે ઉત્તમ તક પૂરી પાડે છે.”
માઈક્રોસોફ્ટના ગિટહબ પ્લેટફોર્મ પર પણ ભારતનું સ્થાન ઉત્તમ છે. હાલમાં લગભગ 1.5 કરોડ ભારતીય ડેવલપર્સ આ પ્લેટફોર્મ પર સક્રિય છે, અને આગામી થોડા વર્ષોમાં આ સંખ્યા યુએસને પણ વટાવી શકે છે. ચાંદોકે એમ પણ કહ્યું કે, વિશ્વના AI સંશોધકો અને વિકાસકર્તાઓમાંથી છઠ્ઠો ભાગ ભારતમાંથી આવે છે. તાજેતરના અભ્યાસ મુજબ, આગામી દસ વર્ષમાં વિશ્વના કર્મચારીઓમાં જોડાનાર દરેક ચોથો કર્મચારી ભારતનો હશે, જે વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ દર્શાવે છે. ભારતમાં AIના વિકાસ માટે કૌશલ્ય પ્રશિક્ષણ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીની વ્યાપક ઍક્સેસને જોતાં, Microsoft માને છે કે ભારત AIનું વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.