Site icon Revoi.in

રશિયા પાસેથી ભારત વધુ 5 S-400 સુદર્શન સ્ક્વોડ્રન ખરીદશે, ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરાશે

Social Share

નવી દિલ્હી, 3 માર્ચ 2026: વૈશ્વિક સ્તરે ચીની એર ડિફેન્સ સિસ્ટમ્સ નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે ભારત પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે રશિયા પાસેથી એસ-400 સુદર્શન એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના વધુ પાંચ સ્ક્વોડ્રન ખરીદવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આ સિસ્ટમે પાકિસ્તાની વિમાનોને તોડી પાડીને પોતાની ઘાતક ક્ષમતા સાબિત કરી હતી.

રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે પાકિસ્તાન સામેના સંઘર્ષ દરમિયાન એસ-400 મિસાઇલ સિસ્ટમે અત્યાર સુધીની સૌથી લાંબી હવાઈ મારક ક્ષમતા હાંસલ કરી હતી. ભારતીય વાયુસેનાએ એસ-400 દ્વારા પાકિસ્તાનના એક અતિ-મૂલ્યવાન જાસૂસી વિમાનને નિશાન બનાવ્યું હતું. ભારતીય વાયુસેનાના પ્રસ્તાવ મુજબ, આ વધારાના પાંચ સ્ક્વોડ્રનને પૂર્વ (ચીન સરહદ) અને પશ્ચિમ (પાકિસ્તાન સરહદ) એમ બંને મોરચે તૈનાત કરવામાં આવશે.

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ચીન નિર્મિત એચક્યુ-9 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી હતી, પરંતુ તે ભારતીય વિમાનોને રોકવામાં સદંતર નિષ્ફળ રહી હતી. આ સિવાય ગત મહિને અમેરિકી કાર્યવાહી દરમિયાન ચીની સિસ્ટમ નિષ્ફળ રહી. ઈરાન વિરુદ્ધ અમેરિકી અને ઈઝરાયેલની વાયુસેનાના હુમલા સામે પણ એચક્યુ-9 સિસ્ટમ લાચાર સાબિત થઈ હતી.

ભારતીય વાયુસેનાના એસ-400 તંત્રે ચાર દિવસના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન સરહદની અંદર 300 કિમીથી વધુની દૂરી પર 5 થી 6 પાકિસ્તાની લડાકુ વિમાનો અને એક જાસૂસી વિમાનને તોડી પાડ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલી ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોને પણ હવામાં જ નષ્ટ કરી દીધી હતી.

ભારત અને રશિયા વચ્ચે 2018માં 5 સ્ક્વોડ્રન માટે કરાર થયા હતા, જેમાંથી 3 સામેલ થઈ ચૂક્યા છે. હવે વાયુસેના પોતાની ક્ષમતા વધુ મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં મિસાઇલો ખરીદવાની યોજના બનાવી રહી છે. આ તરફ, ડીઆરડીઓ પણ સ્વદેશી લાંબી દૂરીની એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટે પ્રતિષ્ઠિત ‘પ્રોજેક્ટ કુશા’ પર કામ કરી રહ્યું છે. રશિયા સાથે બાકીના બે સ્ક્વોડ્રનની સપ્લાય અને નવા પાંચ સ્ક્વોડ્રન માટે ટૂંક સમયમાં ટેન્ડર જાહેર થઈ શકે છે.

આ પણ વાંચોઃ જમ્મુ સરહદે જૈશના આતંકીઓની ઘૂસણખોરીનું કાવતરું, સુરક્ષાદળો એલર્ટ

Exit mobile version