Site icon Revoi.in

પીઓકેમાં એર સ્ટ્રાઈક: ભારતીય વાયુસેના આતંકવાદીઓ પર કેર બનીને વરસી, જૈશ-એ-મોહમ્મદના કેમ્પો તબાહ

Social Share

ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ-2000 યુદ્ધવિમાનો સામે થયા હતા અને એલઓસી પાર આતંકવાદી કેમ્પો પર એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે.

વાયુસેનાના સૂત્રોનું કહેવું છે કે આતંકી કેમ્પોને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છેં કે વાયુસેનાના હવાઈ હુમલામાં એલઓસી પાર બાલાકોટ, ચાકોટી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદીઓના લોન્ચ પેડ્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદના કંટ્રોલરૂમને પણ નષ્ટ કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનની સંયુક્ત તાલીમ શિબિરોને નિશાનબનાવવામાં આવી છે. ભારતીય સેનાના સૂત્રોનું કહેવું છે કે ફાઈટર જેટ્સે બાલાકોટમાં સવારે 3-45 વાગ્યે, મુઝફ્ફરાબાદમાં સવારે 3-48 વાગ્યે અને ચાકોટીમાં સવારે લગભગ 3-58 વાગ્યે તાલીમ શિબિરો પર હુમલા કર્યા છે. હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આલ્ફા-3 કંટ્રોલરૂમને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના એક શહેર બાલાકોટ, નિયંત્રણ રેખાથી લગભગ 50 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની વાયુસેના દ્વારા કોઈપણ પ્રકારની સંભવિત કાર્યવાહીનો જવાબ આપવા માટે આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસીની સાથે તમામ વાયુ સુરક્ષા પ્રણાલીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદો થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ આને મોટી કાર્યવાહી ગણાવી છે.

બાલાકોટમાં કરવામાં આવેલો હુમલો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સ્થાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પણ આગળ છે. જે દર્શાવે છેકે આ માત્ર નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન નથી, પરંતુ પાકિસ્તાની ક્ષેત્રની અંદર કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહી છે.

આ પહેલા પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે. ગફૂરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાએ તાત્કાલિક જવાબ આપ્યો છે. ભારતીય વિમાનો પાછા ચાલ્યા ગયા હતા. વધુ એક ટ્વિટમાં મેજર જનરલ ગફૂરે કહ્યુ છે કે મુઝફ્ફરાબાદ સેક્ટરથી ભારતીય યુદ્ધવિમાનોની ઘૂસણખોરી. પાકિસ્તાની વાયુસેના દ્વારા સમય પર અને પ્રભાવી પ્રતિક્રિયાનો સામનો કરતા ઉતાવળમાં પેલોડ ફેંક્યો હતો, જે બાલાકોટ પાસે પડયો હતો. કોઈ જાનહાનિ કે નુકસાન નથી.